અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે દેશભરમાં આતંક મચાવતી સાયબર ગેંગ સામે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે રાજસ્થાનના જોધપુર ખાતે દરોડો પાડીને 2 શાતિર સાયબર ઠગોની ધરપકડ કરી છે. આ આરોપીઓ નિર્દોષ લોકોને પોતાના શિકાર બનાવીને લાખો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી આચરતા હતા, જેમને પકડી પાડી પોલીસે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

નકલી CBI અને પોલીસ બની 'ડિજિટલ એરેસ્ટ'ના નામે 44 લાખની ઠગાઈ

આરોપીઓ ભોગ બનનાર વ્યક્તિને વોટ્સએપ વીડિયો કોલ કરીને સીબીઆઈ (CBI)ના ઉચ્ચ અધિકારી, પોલીસ કે બેંક મેનેજર તરીકેની ખોટી ઓળખ આપતા હતા. ત્યારબાદ ગુનામાં સંડોવણી હોવાનો ખોટો ડર બતાવી, વ્યક્તિને 'ડિજિટલ એરેસ્ટ' કરવાનો ડર બતાવીને માસિક અને માનસિક દબાણ ઊભું કરતા હતા. આ ભયાનક તકનીકનો ઉપયોગ કરીને તેમણે એક નાગરિક પાસેથી રૂ. 44 લાખ જેટલી મોટી રકમ પડાવી લીધી હતી.

વોટ્સએપ વીડિયો કોલથી ડરાવી આચરતા હતા કૌભાંડ

તપાસમાં સામે આવ્યું છે કે ઠગો સંપૂર્ણ આયોજનબદ્ધ રીતે કોલ સેન્ટરની જેમ કામ કરતા હતા. વીડિયો કોલ દરમિયાન બેકગ્રાઉન્ડ પણ સરકારી ઓફિસ જેવું રાખીને લોકોને વિશ્વાસમાં લેતા હતા. સાયબર ક્રાઈમની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે આ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે અને પકડાયેલા આરોપીઓની કડક પૂછપરછ કરી અન્ય કેટલા લોકોને નિશાન બનાવ્યા છે તેની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : Ahmedabad News : કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ખુલ્લો, સ્નેહમિલનમાં ધારાસભ્ય-કોર્પોરેટર પતિ આમને-સામને