રાજ્યમાં ચોરીના કિસ્સાઓ મોટા ભાગે રાતના સમયે બનતા હોય છે. અમદાવાદ પોલીસે એક એવા ચોરને ઝડપ્યો છે જે ધોળા દિવસે ચોરીના ગનાને અંજામ આપતો હતો. આ ચોર વિરૂદ્ધ માત્ર ગુજરાત નહીં અન્ય રાજ્યોમાં પણ ફરિયાદો નોંધાઈ ચૂકી છે. તે ચોરી કરતા પહેલા તે ચોક્કસ વિસ્તારને ટાર્ગેટ કરતો હતો અને ત્યાર બાદ આ વિસ્તારમાં જઈને રેકી કરતો હતો. રેકી કર્યા બાદ ચોરીને અંજામ આપતો હતો.
અમદાવાદમાં ચોરી કરનાર મુંબઈથી પકડાયો
અમદાવાદમાં કાલુપુર અને ગાયકવાડ હવેલી વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધી હતી. પોલીસે આ ઘટનાઓની તપાસ કરતાં એક મકાનમાં ચોરીનો બનાવ બન્યો હતો તે મકાનમાં કાચ પરથી ફિંગર પ્રિન્ટ મળી આવ્યા હતાં. પોલીસે આ ફિંગર પ્રિન્ટને એફએસએલમાં મોકલ્યા હતાં. તેને મેચ કરતાં અગાઉ ચોરીને અંજામ આપી ચૂકેલા સફી ઉર્ફે સલીમના ફિંગર પ્રિન્ટ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ આરોપીની માહિતી મેળવતા તે મુંબઈમાં હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસની એક ટીમ મુંબઈ રવાના થઈ હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો.













