અમદાવાદના વેજલપુર ગામમાં ફટાકડા ફોડવાની સામાન્ય ઘટનામાં ચાર જેટલા શખ્સોએ કાકી અને ભત્રીજા પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલો કરવામાં આવ્યો તેની પાછળ જૂની અદાવત હોવાનું જાણવા મળ્યું છે. આરોપીઓએ કરેલા હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વેજલપુર પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


વેજલપુરમાં કાકી અને ભત્રીજા પર હુમલો

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના વેજલપુરમાં 21 ઓક્ટોબરે વહેલી સવારે અજય ઠાકોર અને તેમના કાકી શાંતાબેન પર જૂની અદાવતમાં ચાર જેટલા શખ્શો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ફટાકડા ફોડતા સમયે વિશાલ ઠાકોર, ભૂરો ઠાકોર, આર્યન ઠાકોર અને સાહિલ ઠાકોર હથિયારો લઈને આવ્યા હોવાનો ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો. ફરિયાદી અજય ઠાકોર પર આરોપીઓએ છરીથી હુમલો કર્યો હતો. જ્યારે તેમના કાકીને કમર અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

ફટાકડા ફોડતા સમયે 4 શખ્સોએ કર્યો હુમલો

ફરિયાદી અજય ઠાકોર અને તેના કાકી સહિતના પરિવારજનોને આરોપીઓએ ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આરોપીઓએ અજય ઠાકોરના માથાના ભાગે ધારિયુ મારતા તે ઈજાગ્રસ્ત થયો હતો. તેને સ્થાનિકો દ્વારા તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. આ અંગે ઝોન-7 ડીસીપી શિવમ વર્માએ કહ્યું હતું કે, આરોપીઓએ ફરિયાદી પર જૂની અદાવતમાં હુમલો કર્યો હતો. ઉત્તરાયણ સમયની અદાવત રાખીને હુમલો કરાયો હતો. પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.


  • Follow us on: