ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ જેવા સ્માર્ટ શહેરમાં ગુનાખોરીમાં ઘટાડો થયો હોવાની ગુલબાંગો ફૂંકવામાં આવી રહી છે. બીજી બાજુ શહેરમાં ઘરફોડ, લૂંટ અને ચેઈન સ્નેચિંગ જેવા ગુનાઓ બેફામ પણે વધી રહ્યાં છે. ચોર ટોળકીને જાણે પોલીસનો કોઈ ડર જ ના હોય તેમ હવે ઘરમાં ઘૂસીને લૂંટ આચરવામાં આવી રહી છે. શહેરના ખોખરા વિસ્તારમાં ચેઈન સ્નેચિંગની ખતરનાક ઘટના સામે આવી છે. એક મહિલા તેના ઘરમાં જઈ રહી છે અને પાછળથી આવીને એક તસ્કર મહિલાનો અછોડો તોડીને ફરાર થઈ જાય છે. આ સમગ્ર ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે.
આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ
અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં ગોરના કૂવા પાસે સ્થિત જીવણ એપાર્ટમેન્ટમાં ધોળે દિવસે ચેઈન સ્નેચિંગની ઘટના સામે આવી છે. સ્વાતિબેન દરજી નામની એક મહિલા બહારથી ખરીદી કરીને પોતાના ઘર પાસે પહોંચી હતી અને એક સ્નેચર તેની પાછળ પાછળ આવ્યો હતો. મહિલા હજી સીડી ચઢી રહી હતી અને સ્નેચર તેના ગળામાંથી અછોડો તોડીને ફરાર થઈ ગયો હતો. મહિલાએ બુમાબુમ કરી મુકી હતી. પરંતુ તસ્કર અછોડો તોડીને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. પોલીસે મહિલાની ફરિયાદના આધારે સીસીટીવી અને હ્યુમન ઈન્ટેલિન્જન્સના આધારે તપાસ શરૂ કરી છે.
