અમદાવાદમાં પોલીસ કમિશનર દ્વારા રાત્રે 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે તેવું જાહેરનામું બહાર પાડ્યું હતું. આ જાહેરનામાનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો છે. ગઈકાલે રાત્રે બે વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધી ફટાકડા ફોડવામાં આવ્યા હતાં. નારોલના ગેબનશાહ કેનાલ પાસેનો વીડિયો વાયરલ થયો છે. કુખ્યાત હેમંત ચૌહાણે ફટાકડા ફોડી રોડ બાનમાં લીધો હતો. પોલીસ કર્મીઓ માત્ર ઠપકો આપીને ત્યાંથી નીકળી ગયા હતાં.
અમદાવાદમાં પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ
દિવાળી પહેલા અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે રાત્રે 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે અને રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી ફટાકડા નહીં ફોડી શકાય તેવું જાહેરનામું બહાર પાડ્યું હતું. આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે તેવું પણ આ જાહેરનામા દ્વારા જણાવાયું હતું. પરંતુ અમદાવાદમાં પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો છે. નારોલ પોલીસ સ્ટેશનની હદમાં સ્થિત ગેબનશાહ કેનાલ પાસેનો એક વીડિયો વાયરલ થયો છે.













