અમદાવાદ શહેરમાં વિદેશમાં નોકરી અપાવવાના નામે યુવકોને જાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવી લેતી ઠગટોળકીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદના એક યુવકને કેનેડાના ટોરેન્ટો શહેરમાં આવેલી જાણીતી 'જીરાફે ફૂડ કંપની' (Giraffe Food Company) માં આસિસ્ટન્ટ મેનેજર તરીકેની આકર્ષક નોકરી અપાવવાની લાલચ આપીને અજાણ્યા શખ્સોએ રૂ. 28.57 લાખની મોટી છેતરપિંડી આચરી છે. આ કેસમાં આરોપીઓએ પોતાની ઓળખ 'Indeed India Operations Private Limited' કંપનીના ઉચ્ચ અધિકારીઓ તરીકે આપીને યુવકનો સંપર્ક કર્યો હતો.
ટેલિફોનિક ઈન્ટરવ્યુ અને બોગસ ઓફર લેટર આપી આચર્યું કૌભાંડ
આરોપીઓએ યુવકનો વિશ્વાસ જીતવા માટે પ્રથમ ટેલિફોનિક ઈન્ટરવ્યુ લીધો હતો અને ત્યારબાદ કંપનીના નામે એક બનાવટી (ફેક) ઓફર લેટર ઈમેલ મારફતે મોકલ્યો હતો. ઓફર લેટર મળ્યા બાદ પ્રોસેસિંગના નામે ઠગબાજોએ ડૉક્યુમેન્ટ વેરિફિકેશન, મેડિકલ બોડી ચેકઅપ, રેસિડન્સી પરમિટ તેમજ અન્ય વિવિધ ચાર્જ બતાવીને અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ. 28,57,000 જમા કરાવી લીધા હતા.
