અમદાવાદ શહેરમાં ઘરઘાટી રાખતા પહેલાં પોલીસ વેરિફિકેશન કરાવવું કેટલું જરૂરી છે, તેનો વધુ એક આંખ ઉઘાડતો કિસ્સો પાલડી વિસ્તારમાંથી સામે આવ્યો છે. પાલડીના ગૌતમબાગ સોસાયટીમાં રહેતા એક વેપારીના ઘરમાં વિશ્વાસઘાત કરીને લાખો રૂપિયાની ચોરી કરનાર ઘરઘાટી ગેંગના એક સાગરીતને પોલીસે ઝડપી પાડ્યો છે. પાલડી પોલીસ સ્ટેશનની ટીમે પકડાયેલા આરોપી બાબુલાલ મીણા પાસેથી ₹૨૫ લાખના સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ 26.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જો કે, આ ઘરફોડ ચોરીનો માસ્ટરમાઇન્ડ અને મુખ્ય આરોપી ઘરઘાટી કમલેશ મીણા હજુ પણ પોલીસ પકડથી દૂર છે.

દાગીના અને રોકડની ચોરી

પોલીસ ફરિયાદ અનુસાર, ગત 13 જુલાઈના રોજ વેપારીના ઘરમાંથી તિજોરીની અસલી ચાવીનો ઉપયોગ કરીને 48 લાખથી વધુના સોના-ચાંદીના દાગીના અને 1.46 લાખની રોકડ રકમની મોટી ચોરી થઈ હતી. તપાસમાં બહાર આવ્યું કે ફરિયાદીના ઘરે ગત માર્ચ મહિનાથી કમલેશ મીણા નામનો ઘરઘાટી કામ કરતો હતો, જેને રાજસ્થાનના સલૂમ્બરના દિનેશ નામના વ્યક્તિએ કામે રખાવ્યો હતો. 

ઘરઘાટીના રુમમાંથી વિદેશી ચલણ મળ્યું

વેપારીએ આ ઘરઘાટીનું પોલીસ વેરિફિકેશન કરાવ્યું ન હોવાથી ગુનો આચરીને ભાગી ગયેલા આરોપીનું સરનામું શોધવામાં પોલીસને ભારે મુશ્કેલી પડી હતી. માલિકને શંકા જતાં જ્યારે કમલેશના રૂમની તપાસ કરાઈ ત્યારે ત્યાંથી વિદેશી ચલણ મળી આવ્યું હતું, ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો.

મુદ્દામાલ વેચવા નીકળેલા કમલેશના મિત્ર બાબુલાલ મીણાને દબોચી લીધો

દરમિયાન, પાલડી પોલીસે બાતમીના આધારે ચોરીનો મુદ્દામાલ વેચવા નીકળેલા કમલેશના મિત્ર બાબુલાલ મીણાને દબોચી લીધો હતો. પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે નાણાંની તીવ્ર જરૂરિયાત હોવાથી કમલેશે આ ચોરીનો પ્લાન ઘડ્યો હતો અને બાબુલાલ તેને દાગીના વેચવામાં મદદ કરી રહ્યો હતો. હાલમાં ચોરી થયેલા મુદ્દામાલનો અડધો ભાગ રિકવર થઈ ચૂક્યો છે, જ્યારે મુખ્ય સૂત્રધાર કમલેશ મીણા અને તેના અન્ય એક સાથી ગૌતમને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે. 


આ પણ વાંચો    :    Sandesh Digital Explainer : અવકાશમાં નવા ભારતની ગર્જના, 'વિક્રમ-1'એ લખ્યો નવો ઇતિહાસ, બધું જ વાંચી લો એક જ ક્લિકમાં..