અમદાવાદ શહેરમાં સગીરાઓ સામેના ગુનાઓમાં ન્યાય પ્રક્રિયા ઝડપી અને કડક બનતી જોવા મળી રહી છે. તાજેતરમાં અમદાવાદની વિશેષ પોક્સો કોર્ટ દ્વારા એક અત્યંત સંવેદનશીલ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. અગાઉ 15 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરવાના ગુનામાં 23 વર્ષીય આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. કોર્ટે પુરાવાઓ અને ગંભીરતાને ધ્યાનમાં રાખીને નરાધમ આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે, જે કાયદાકીય સ્તરે એક મોટો દાખલો બેસાડનાર છે.
સરદારનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદ
પ્રાપ્ત વિગતો અનુસાર, આ કેસની વિગત એવી છે કે આરોપીએ સગીરાને ગોવા લઈ જવાની લાલચ આપી હતી અને તેને તેના ઘરથી ફોસલાવીને ભગાડી ગયો હતો. ત્યારબાદ અલગ-અલગ જગ્યાએ રાખીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ મામલે પીડિતાના પરિવારજનો દ્વારા તાત્કાલિક સરદારનગર પોલીસ સ્ટેશનમાં અપહરણ અને દુષ્કર્મના ગુના હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીને ઝડપી પાડીને તેની વિરુદ્ધ કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરી હતી.
