પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ દોષિત જાહેર કરાયા છે. સાણંદ કોર્ટે રમણ પટેલને ચેખલા જમીન કૌભાંડમાં દોષિત જાહેર કર્યા હોવાના સમાચાર આવી રહ્યા છે.
સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ સામે સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી જેમાં રમણ પટેલે સાણંદના ચેખલા ગામ ખાતેની પ્રતિબંધીત જમીનનો રજીસ્ટર વેચાણ દસ્તાવેજ બનાવીને જુદી જુદી કંપનીઓને નામે કરાવી લીધી હોવાનો આરોપ લગાવાયો હતો. વાસ્તવમાં તો આ પ્રકારની જમીનનો વેચાણ દસ્તાવેજ થઇ શકતો નથી
મામલતદારનો બનાવટી હુકમ પણ તૈયાર કરાવાયો
નવાઇની વાત એ છે કે ફરિયાદમાં એવો પણ આરોપ લગાવાયેલો હતો કે નવી શરતની જમીનને જૂની શરતમમાં ફેરવવા માટે સાણંદ મામલતદારનો બનાવટી હુકમ પણ તૈયાર કરાવાયો હતો અને તેને દસ્તાવેજમાં મુકી દેવાયો હતો. જે કંપનીઓના નામે આ દસ્તાવેજ કરાયો હતો તે 52 પૈકી 41 કંપનીઓના સરનામા રમણ પટેલ સહિતના આરોપીઓના ઘરના સરનામે રજીસ્ટર છે.
પોપ્યુલર બિલ્ડર ગ્રૂપના ભૂમાફિયા રમણ પટેલ સામે ઘણી ફરિયાદો
હવે સાણંદ કોર્ટે રમણ પટેલને ચેખલા જમીન કૌભાંડમાં દોષિત જાહેર કર્યા છે. ઉલ્લેખનિય છે કે રમણ પટેલ જમીનના કૌંભાડો બાબતે કુખ્યાત છે. પોપ્યુલર બિલ્ડર ગ્રૂપના ભુમાફિયા રમણ પટેલ સામે ઘણી ફરિયાદો પણ થયેલી છે.
કેસમાં હજુ ચાર આરોપી વોન્ટેડ
સુપ્રીમ કોર્ટે રમણ પટેલના કેસને 4 મહિનામાં પૂરો કરવા નિર્દેશ આપ્યો હતો. સાણંદ પોલીસ સ્ટેશમાં ચેખલા ગામે રહેતા કનુભાઈ જીવાભાઈ પટેલે રમણ પટેલ સહિતના સામે ઠગાઇ, બોગસ દસ્તાવેજ બનાવવા સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં હજુ ચાર આરોપી વોન્ટેડ છે જેમાં છગનભાઇ ભોળીદાસ પટેલ, દશરથભાઇ ભોળીદાસ પટેલ, સતિષ જયંતીભાઇ પટેલ, કાંતિભાઇ મફતભાઇ પટેલનો સમાવેશ થાય છે