અમદાવાદમાં જમીન કૌભાંડ મામલે CID ક્રાઈમ દ્વારા પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની ધરપકડ કરવામાં આવી છે. પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની CID ક્રાઈમે ખોટા દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડવાના ગુનામાં ટ્રાન્સફર વોરંટથી બિલ્ડર રમણ પટેલની ધરપકડ કરી છે. જેના બાદ CID ક્રાઈમ ક્રાઈમે જમીન કૌભાંડ ગુનામાં વધુ તપાસ માટે આરોપી રમણ પટેલના દસ દિવસના રિમાન્ડની માંગ કરી છે. કોર્ટ દ્વારા 11 માર્ચ 2025 સુધીના રિમાન્ડ મંજૂર કરાતા ભૂમાફિયા બિલ્ડર રમણ પટેલ CID ક્રાઈમની કસ્ટડીમાં રહેશે.
ઓગસ્ટમાં દાખલ કરાઈ હતી ફરિયાદ
શહેરમાં તંત્ર દ્વારા ગેરકાયદે જમીન પચાવી પાડવાને લઈને કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. અનેક સ્થાનો પરથી ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. જમીન કૌભાંડ ગુનામાં મોટા માથાઓને પણ સાણસામાં લેતા ખોટું કરનારા બિલ્ડરો પર તવાઈ આવી છે. CID ક્રાઈમમાં જમીન હડપવા મામલે દાખલ થયેલ ફરિયાદમાં શહેરના ટોચના બિલ્ડરોની યાદીમાં સમાવેશ થનાર પોપ્યુલર બિલ્ડર સામે ગુનો નોંધાયો છે. ખોટા દસ્તાવેજ બનાવી મકરબા ખાતેની કરોડોની જમીન હડપવા મામલે પોપ્યુલર બિલ્ડર અને તેમની ટોળકી સામે ઓગસ્ટ 2024માં ફરિયાદ દાખલ થઈ હતી. આ ફરિયાદ સંદર્ભે CID ક્રાઈમે કાર્યવાહી કરતાં બિલ્ડર રમણ પટેલની ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ માંગ્યા હતા જે મંજૂર પણ થયા છે.
ભૂમાફિયાના આતંકનો સફાયો કરવા તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. રાજ્યમાં ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે. અને આ કામગીરીમાં હવે કોઈને પણ બક્ષવામાં નહીં આવે તેવું સાબિત કરતાં શહેરના લોકપ્રિય પોપ્યુલર બિલ્ડરને સંકજામાં લીધા છે. CID ક્રાઈમ અમદાવાદ ઝોનમાં નોંધાયેલ ફરિયાદને પગલે રમણ પટેલની ધરપકડ કરાઈ છે.
મૃત મહિલાની જમીન હડપવાનો કારસો
નોંઘનીય છે કે પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ અને તેમની ટોળકી દ્વારા 1980માં મત્યુ પામનાર મહિલાની જમીન હડપવા ખોટા દસ્તાવેજનો કારસો રચાયો હતો.રમણપટેલ અને તેમની ગેંગે 1980માં મૃત્યુ પામેલ મહિલાને 1986માં હયાત બતાવી જમીનની ખરીદી કરવા નકલી દસ્તાવેજ ઉભો કર્યો હતો. તેમજ 1990માં અગાઉનો દસ્તાવેજ રદ કરાવવા મૃતક મહિલાએ અંબિકા દર્શન ખેતી સહકારી મંડળીને જમીનનું વેચાણ કર્યાનો નકલી દસ્તાવેજ ઉભો કર્યો આ ઉપરાંત 1980માં મૃત્યુ પામનાર મૃતક મહિલાનું મૃત્યુ 1992માં થયું હોવાનું સરકારી ચોપડે બતાવવા ગ્રામ પંચાયતના સરકારી દસ્તાવેજ સાથે ચેડા કર્યા હતા. ગેરકાયદે જમીનની તપાસ કરવા દરમિયાન એન્ટી ઇકોનોમિક વિંગના અધિકારીના ધ્યાનમાં સમગ્ર કૌંભાડ આવ્યું.
કોર્ટે 10 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા
જમીન કૌભાંડ મામલે નક્કર પુરાવા મળ્યા બાદ CID ક્રાઈમે કાર્યવાહી હાથ ધરી. આ કૌભાંડમાં સામેલ પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ સહિત 8 લોકો સામે ખેડા જિલ્લાના કલોલી ગામના કુનભાઈ ઠાકોર દ્વારા ફરિયાદ દાખલ કરાઈ હતી. CID ક્રાઈમે રમણ પટેલની ધરપકડ કર્યા બાદ રીમાન્ડ માંગ્યા હતા અને કોર્ટે દસ દિવસના રીમાન્ડ મંજૂર કરતા 11 માર્ચ સુધી પોપ્યુલર બિલ્ડર CID ક્રાઇમની કસ્ટડીમાં રહેશે. આ ગુનામાં સામેલ ભોળીદાસ પટેલ, બેચર ભલાજી ઠાકોર, હિતેશ રમણલાલ, મણિકાંત શાહ, રામુ ભુલાભાઈ ભરવાડ, ચંદુ ઠાકોર અને ગૌતમ ત્રિકમલાલ સહિત અંબિકા દર્શન કંપની લિમિટેડ સોસાયટીના અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરતાં તમામની પૂછપરછ હાથ ધરાઈ છે.