અમદાવાદ: અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક વિસ્ફોટના મામલામાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસના આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં બંને પક્ષોની લાંબી દલીલો બાદ કોર્ટે ત્રણેય આરોપીઓના 27 જુલાઈ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, તપાસ અધિકારી અને પોલીસ તંત્ર દ્વારા આરોપીઓની આકરી પૂછપરછ માટે 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી.
3 માંથી 2 જ આરોપી કોર્ટમાં હાજર
સુનાવણી દરમિયાન કોર્ટમાં એક વળાંક આવ્યો જ્યારે કોર્ટે સવાલ કર્યો કે ત્રણમાંથી માત્ર બે જ આરોપી કેમ હાજર છે? આ અંગે સરકારી વકીલે કોર્ટને સ્પષ્ટતા કરી હતી કે ત્રીજી આરોપી રમીલા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી તેને સીધી કોર્ટમાં લાવી શકાઈ નથી.
સરકારી વકીલની આકરી દલીલો
કોર્ટમાં સરકારી વકીલે રિમાન્ડની જરૂરિયાત સમજાવતા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. વકીલે જણાવ્યું કે, આ ફેક્ટરી સંપૂર્ણપણે ગેરકાયદેસર અને લાયસન્સ વિના માત્ર આર્થિક લાભ ખાતર ઘોર બેદરકારી રાખીને ચલાવવામાં આવતી હતી. તપાસ અધિકારીએ પણ ઉમેર્યું કે અગાઉ લાયસન્સ રદ કરાયું હોવા છતાં ફેક્ટરી ધમધમતી હતી. વધુમાં, વર્ષ 2014માં પણ અહીં બ્લાસ્ટ થયો હતો જેમાં એક કિશોરનું મોત નીપજ્યું હતું. ફેક્ટરીમાં બીજા કેટલા ભાગીદારો છે અને આ વિસ્ફોટક પદાર્થો ક્યાંથી લાવવામાં આવતા હતા તેની ઊંડી તપાસ માટે રિમાન્ડ અનિવાર્ય છે. આરોપીઓ તપાસ દરમિયાન ભાગી ન જાય તે માટે પણ કસ્ટડી જરૂરી છે.
બચાવ પક્ષની રજૂઆત: 'આ માત્ર અકસ્માત છે'
બીજી તરફ, બચાવ પક્ષના વકીલે 14 દિવસના રિમાન્ડનો સખત વિરોધ કર્યો હતો. તેમણે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે આ કોઈ કાવતરું કે મારી નાખવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવેલું કૃત્ય નથી, પરંતુ એક અકસ્માત છે. આરોપીઓ તપાસમાં પૂરો સહકાર આપી રહ્યા છે અને તેમની પાસેથી એવો કોઈ શંકાસ્પદ મુદ્દામાલ મળ્યો નથી જેનાથી તેમને સીધા જવાબદાર ઠેરવી શકાય. જોકે, કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીઓને 27 જુલાઈ સુધી પોલીસ રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો છે.
આ પણ વાંચો : Sandesh Digital Explainer : અવકાશમાં નવા ભારતની ગર્જના, 'વિક્રમ-1'એ લખ્યો નવો ઇતિહાસ, બધું જ વાંચી લો એક જ ક્લિકમાં..