અમદાવાદના શીલજ કેનાલ રોડ પર થયેલા ગંભીર અકસ્માતમાં નવપરિણીત મહિલાનું કરૂણ મોત થયું હતું. અકસ્માતને ચાર દિવસ વીતી ગયા હોવા છતાં આરોપી ઝડપાયો નથી. જેના પગલે મૃતકના પતિ હાર્દિક દરજીએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને પત્નીને ન્યાય અપાવવા આજીજી કરી છે.
પતિનો આક્રંદભર્યો વીડિયો વાયરલ
હાર્દિક દરજી વીડિયોમાં રડતા જોવા મળે છે. તેણે અકસ્માત માટે જવાબદાર વ્યક્તિને તાત્કાલિક પકડી કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પત્નીના મોત બાદ ન્યાય માટેની તેની અપીલથી પરિવારની વ્યથા સ્પષ્ટ જોવા મળી રહી છે.
હચમચાવી દે તેવા CCTV સામે આવ્યા
અકસ્માત બાદ ઘટનાના હચમચાવી દે તેવા CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. ફૂટેજના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે. જોકે, ચાર દિવસ બાદ પણ આરોપીની ધરપકડ ન થતાં પરિવારજનોમાં રોષ અને દુઃખ જોવા મળી રહ્યું છે.
આરોપીની શોધખોળ માટે પોલીસ રાજસ્થાન પહોંચી
પ્રાથમિક માહિતી મુજબ અકસ્માત કરનાર વ્યક્તિ રાજસ્થાનનો ઘરઘાટી હોવાનું સામે આવ્યું છે. બોપલ પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે ટીમ રાજસ્થાન મોકલી છે. આરોપીની શોધખોળ સાથે અકસ્માતની સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
પરિવારને ન્યાય ક્યારે મળશે?
નવપરિણીત મહિલાના મોત બાદ પરિવાર ન્યાયની રાહ જોઈ રહ્યો છે. હવે પોલીસ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કડક કાર્યવાહી ક્યારે કરે છે, તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો : Guwahati : સનસનીખેજ બનાવ, પત્નીની હત્યા કરી માથું ફ્રિજમાં છુપાવનાર આરોપીનું પોલીસ વાહનમાંથી કૂદતાં મોત