અમદાવાદ શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હિંસક ઘટના સામે આવી છે. શહેરના જાણીતા રિચી રિચ કાફેના માલિક ભાવિક ગજ્જર સામે એક યુવક પર રાક્ષસી રીતે હુમલો કરવાનો ગંભીર આક્ષેપ થયો છે. મળતી માહિતી મુજબ, રોડ ક્રોસ કરવા જેવી સાવ સામાન્ય અને તુચ્છ બાબતે તનીશ પટેલ નામના યુવક સાથે ભાવિક ગજ્જરનો વિવાદ થયો હતો. આ વિવાદ જોતજોતામાં એટલો ઉગ્ર બની ગયો કે કાફે માલિકે આવેશમાં આવીને યુવક પર સીધો હુમલો કરી દીધો હતો.

કાનની બુટ બચકું ભરીને કાપી નાખી

આ હુમલા દરમિયાન આરોપી ભાવિક ગજ્જરે હેવાનીયતની તમામ હદો વટાવી દીધી હતી. હુમલાખોરે તનીશ પટેલના કાન પર એટલા જોરથી બચકું ભર્યું હતું કે તેના કાનની બુટ કપાઈ ગઈ હતી. આ ઉપરાંત, પીડિત યુવકની ડાબી આંખ પર પણ જાનલેવા પ્રહાર કરવામાં આવ્યા હોવાનો આરોપ છે. આ ઘાતકી હુમલામાં યુવક ગંભીર રીતે ઘવાયો હતો અને તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. કાન અને આંખના ભાગે થયેલી ગંભીર ઈજાઓને કારણે પીડિતના પરિવારમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે.

પોલીસ કેસ દાખલ થતાં જ આરોપી ભાવિક ગજ્જર ફરાર

ઘટના અંગે પીડિત યુવકની ફરિયાદના આધારે પોલીસે ભાવિક ગજ્જર સામે ગુનો નોંધીને કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, પોલીસ કેસ દાખલ થતાં જ આરોપી ભાવિક ગજ્જર ભૂગર્ભમાં ઉતરી ગયો છે અને હાલ પોલીસ પકડથી દૂર છે. સ્થાનિક પોલીસે આરોપીને પકડી પાડવા માટે 2 થી 3 અલગ-અલગ ટીમો બનાવીને તેના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડવાનું શરૂ કર્યું છે. આસપાસના CCTV ફૂટેજ કંગાળીને આરોપી સુધી પહોંચવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો : Gir Somnath News : વેજ ઝોન જાહેરનામાનો મામલો પહોંચ્યો હાઈકોર્ટ, બંને પક્ષોની દલીલો બાદ ચુકાદો અનામત