અમદાવાદના વટવા વિસ્તારમાં ખેડૂતોને મળવાપાત્ર નીમ કોટેડ યુરિયાનો ગેરકાયદે સંગ્રહ અને ઔદ્યોગિક એકમોમાં હેરફેર કરવાના કથિત કૌભાંડનો પર્દાફાશ થયો છે. વટવા GIDC પોલીસે શ્રદ્ધા એસ્ટેટમાં દરોડો પાડી 857 બોરી યુરિયા કબજે કર્યું છે. આ જથ્થાની કિંમત રૂ.2.29 લાખ હોવાનું સામે આવ્યું છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 4 આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે.
25 ઓગસ્ટની રેડમાં સામે આવ્યો મોટો જથ્થો
25 ઓગસ્ટે વટવા GIDC પોલીસે શ્રદ્ધા એસ્ટેટમાં બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. ખેતી નિયામકની હાજરીમાં કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન ગેરકાયદે રીતે સંગ્રહ કરાયેલો નીમ કોટેડ યુરિયાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ FSL રિપોર્ટ મળ્યા બાદ પોલીસે કુલ 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
મણીધર પ્લાસ્ટોના ગોડાઉનમાં શું ચાલતું હતું?
પોલીસ તપાસમાં સામે આવ્યું કે શ્રદ્ધા એસ્ટેટમાં ‘મણીધર પ્લાસ્ટો’ના નામે ગોડાઉન ભાડે લેવામાં આવ્યું હતું. આ ગોડાઉનમાં આરોપી રાયમલ ભરવાડ દ્વારા મોકલવામાં આવેલો નીમ કોટેડ યુરિયાનો જથ્થો રાખવામાં આવ્યો હતો. પોલીસે 857 બોરી કબજે કરી હોવાનું જણાવ્યું છે.
એક આરોપી ઝડપાયો, 4 હજુ ફરાર
આ કેસમાં અર્જુન સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે રાયમલ ભરવાડ, હિમાંશુ પટેલ, અંકિત પટેલ અને વિપુલ પટેલ ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ અને કાર્યવાહી તેજ કરી છે.
ખેડૂતોને બાયોમેટ્રિકથી મળતું ખાતર ફેક્ટરી સુધી કેવી રીતે પહોંચ્યું?
નીમ કોટેડ યુરિયા સામાન્ય રીતે સરકાર માન્ય એગ્રો સેન્ટર અથવા સરકારી મંડળી મારફતે ખેડૂતોને આપવામાં આવે છે. ખાતર મેળવવા માટે ખેડૂતોનું આધાર કાર્ડ અને બાયોમેટ્રિક પ્રક્રિયા પણ થાય છે. તેમ છતાં ખેડૂતો માટેના ખાતરનો જથ્થો ઔદ્યોગિક એકમો સુધી પહોંચતો હોવાના આક્ષેપોએ ગંભીર સવાલો ઉભા કર્યા છે.
કૌભાંડ પાછળ હજુ કેટલા નામ બહાર આવશે?
પોલીસની તપાસ હવે માત્ર 857 બોરીના જથ્થા સુધી સીમિત નથી. આ જથ્થો ક્યાંથી આવ્યો, કોના કહેવાથી મંગાવવામાં આવ્યો અને તેને કયા ઔદ્યોગિક એકમોમાં પહોંચાડવાનો હતો તે સૌથી મોટો સવાલ છે. ફરાર આરોપીઓ ઝડપાયા બાદ ખેડૂતોના હકના યુરિયાની કથિત ગેરકાયદે હેરફેરનું આખું નેટવર્ક બહાર આવે છે કે કેમ તે જોવું મહત્વનું રહેશે.
આ પણ વાંચો : Malaysia : 72 વર્ષના ફૂટબોલ દિગ્ગજે 20 વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન, તસવીરો વાયરલ થતાં પરિવારે કરી પુષ્ટિ