અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા સેટેલાઇટમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વેપારીને હનીટ્રેપમાં ફસાવીને તેમની પાસેથી મોટી રકમ પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ મામલે વેપારીએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં માતા અને પુત્રી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. ફરિયાદ મુજબ, અંજલી અને સરિતા ગોસ્વામી નામની ઝારખંડની મહિલાઓએ વેપારી સાથે સંબંધ બાંધીને તેમને ફસાવ્યા હતા. આ ઘટના બાદ પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
લગ્ન કરવા દબાણ અને ખોટા કેસની ધમકી
ફરિયાદમાં જણાવ્યા મુજબ, આ મહિલાઓએ વેપારીને પહેલા શારીરિક સંબંધ બાંધવા માટે લલચાવ્યા અને પછી તેમના અંગત પળોના વીડિયો અને ફોટા બનાવી લીધા. ત્યારબાદ, તેમણે વેપારીને બદનામ કરવાની ધમકી આપીને તેમની પાસેથી ખંડણીની માંગણી કરી હતી. એટલું જ નહીં, આ મહિલાઓ વેપારી પર તેમની સાથે લગ્ન કરવા માટે પણ દબાણ કરી રહી હતી અને જો તેઓ તેમ ન કરે તો તેમની વિરુદ્ધ ખોટા કેસ કરવાની ધમકી પણ આપી હતી. આ પ્રવૃત્તિઓથી ત્રાસીને આખરે વેપારીએ પોલીસનો સંપર્ક કર્યો અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ નોંધાવી.













