મુંબઈથી પોતાના પરિવારમાં બનેલા દુઃખદ બનાવ બાદ અમદાવાદ પરત ફરેલા એક મહિલા સાથે કાલુપુર રેલવે સ્ટેશન બહાર લૂંટની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. મેમનગર જવા માટે રિક્ષા ભાડે કરનાર 69 વર્ષીય ઈલાબેન શાહને રિક્ષાચાલક અને મુસાફરના સ્વાંગમાં બેઠેલી ગઠિયા ગેંગે છરી કે ધમકીના જોરે લૂંટી લીધા હતા.ગઠિયાઓ વૃદ્ધા પાસેથી સોનાનું મંગળસૂત્ર તથા રોકડ રકમ મળીને કુલ રૂ.2.18 લાખની મત્તા આંચકીને ફરાર થઈ ગયા હતા.
રસ્તો બદલીને જાનથી મારી નાખવાની ધમકી આપી
શહેરમાં ગુરુકુળ રોડ વિસ્તારમાં રહેતા ઈલાબેન શાહ મુંબઈ ખાતે પોતાના ભાભીની અંતિમવિધિ પૂર્ણ કરીને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશને ઊતર્યા હતા.ત્યાંથી પોતાના ઘરે મેમનગર જવા માટે તેમણે એક રિક્ષા ભાડે કરી હતી.આ રિક્ષામાં ચાલક ઉપરાંત અગાઉથી જ બે શખ્સો પેસેન્જર તરીકે બેઠેલા હતા.રિક્ષા થોડે આગળ ગયા બાદ ચાલકે આગળ રસ્તાનું સમારકામ ચાલુ હોવાનું બહાનું બતાવીને રિક્ષા મેમ્કો તરફના રસ્તે વાળી દીધી હતી.ઈલાબેનને આશંકા જતાં તેમણે તરત જ રિક્ષા રોકવા કહ્યું હતું.જોકે, રિક્ષામાં સવાર ગઠિયાઓએ અસલી રૂપ બતાવી ઈલાબેનને મજબૂત રીતે પકડી લીધા હતા અને ડોશી જીવવું હોય તો ચૂપચાપ બેસી રહેજે તેવી જાનથી મારી નાખવાની સીધી ધમકી આપી હતી.
