અમદાવાદ જિલ્લાના બગોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. બગોદરા ટોલ ટેક્સ પાસે હાથ ધરવામાં આવેલા વાહન ચેકિંગ દરમિયાન પોલીસે મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉત્તર પ્રદેશના રજિસ્ટ્રેશન ધરાવતી ટ્રક નંબર UP-72-AT-0586 ને રોકીને તલાશી લીધી હતી.
342 પેટી દારૂ સહિત રૂ. 41.94 લાખનો મુદ્દામાલ જપ્ત
ટ્રકની તલાશી દરમિયાન તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 342 પેટીઓ મળી આવી હતી. પોલીસે તપાસ કરતા રૂ. 26.81 લાખની કિંમતની 7,164 બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે રૂ. 26.81 લાખનો દારૂ, રૂ. 15,00,000 ની કિંમતની ટ્રક અને મોબાઈલ ફોન મળીને કુલ રૂ. 41.94 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ઉત્તર પ્રદેશના ચાલકની ધરપકડ અને રોહિત શર્માની શોધખોળ
આ મામલે પોલીસે ટ્રક ચાલક મોહમદ અયુબ નજામુદ્દીન શેખની સ્થળ પરથી જ ધરપકડ કરી છે, જે ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક પૂછપરછમાં દારૂનો જથ્થો ભરી આપનાર તરીકે રોહિત શર્મા નામના વ્યક્તિનું નામ ખુલતાં પોલીસે તેને પણ આરોપી બનાવી અન્ય સહ-આરોપીઓની શોધખોળ આદરી છે.

પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ શરૂ
આ વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં કોને પહોંચાડવાનો હતો તે દિશામાં બગોદરા પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Ahmedabad News : કેનેડા-ઓસ્ટ્રેલિયા વિઝાના નામે લાખોની ઠગાઈ, ગાંધીનગરના પિતા-પુત્ર સામે ફરિયાદ