દિવાળીનો પર્વ એટલે આનંદ, ઉત્સાહ અને રોશનીનો તહેવાર. લોકો પોતાના પરિવાર સાથે આ તહેવાર ધામધૂમથી ઉજવવા માટે ઉત્સુક હોય છે. બીજી બાજુ, પોલીસ તંત્ર દ્વારા પણ સુરક્ષાના દાવા કરવામાં આવે છે કે, નાગરિકો નિરપેક્ષપણે તહેવાર ઉજવી શકે, પરંતુ આ બધા જ દાવાઓ વચ્ચે તસ્કરોએ પોતાની સક્રિયતા બતાવીને પોલીસ સુરક્ષાને ખુલ્લો પડકાર ફેંક્યો છે. બારેજા વિસ્તારમાં આવેલી મારુતિ સોસાયટીમાં ચોર ટોળકીએ દિવાળીની રજાઓનો લાભ લઈને ભયનો માહોલ ઊભો કર્યો છે.

બારેજાની મારુતિ સોસાયટીમાં તસ્કરોનો મોટો હાથ ફેરો

બારેજા વિસ્તારની મારુતિ સોસાયટીમાં તસ્કરોએ અગાઉથી રેકી કરીને એકસાથે 5 જેટલા બંધ મકાનોને પોતાના નિશાને લીધા હતા. દિવાળીની રજાઓમાં પોતાના વતન કે બહારગામ ગયેલા પરિવારોના મકાનોના મુખ્ય દરવાજાની લોખંડની કડીઓ અને તાળા તોડીને તસ્કરો ઘરમાં ઘૂસ્યા હતા. આ 5 પૈકીના બે મકાનોમાંથી તસ્કરોએ સોના-ચાંદીના કિંમતી દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે, ચોરી કર્યા બાદ તસ્કરો નકલી દાગીના બારેજા નજીક એક જગ્યાએ ફેંકીને ફરાર થઈ ગયા હતા.

સીસીટીવી ફૂટેજમાં કેદ થયા મોઢે રૂમાલ બાંધેલા તસ્કરો

સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ચૂકી છે. સીસીટીવી ફૂટેજમાં બે જેટલા ઇસમો મોંઢે માસ્ક કે રૂમાલ બાંધીને સોસાયટીમાં પ્રવેશતા નજરે પડે છે. આ તસ્કરોએ ખૂબ જ ચાલાકીથી બંધ મકાનોને ટાર્ગેટ કરી તિજોરીના લોક તોડીને હાથફેરો કર્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અસલાલી પોલીસે તાત્કાલિક ચોરીનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઉપરાંત FSL અને ડોગ સ્કવોડની મદદથી પણ પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Ahmedabad News: Bareja Diwali House Break-ins: 5 Homes Targeted by Thieves

પોલીસના એક્શન પ્લાન અને પેટ્રોલિંગ પર ઉઠ્યા ગંભીર સવાલો

દિવાળીના તહેવાર દરમિયાન ગ્રામ્ય પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત અને પેટ્રોલિંગના દાવા કરવામાં આવતા હોય છે, પરંતુ આ ઘટનાએ પોલીસની કામગીરીની પોલ ખોલી નાખી છે. ખાસ કરીને, દિવાળીના થોડા દિવસો પહેલા જ ચાંગોદર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક વેરહાઉસમાંથી રૂ. 1 કરોડની ચોરીનો ભેદ હજુ સુધી ઉકેલાયો નથી, ત્યાં જ બીજા મોટા ચોરીના બનાવો સામે આવતા પોલીસની સક્રિયતા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

Ahmedabad News: Bareja Diwali House Break-ins: 5 Homes Targeted by Thieves

ગ્રામ્ય પોલીસની નાગરિકોને અપીલ અને તપાસનો દોર

આ ઘટના બાદ ગ્રામ્ય પોલીસે દિવાળી કે અન્ય વેકેશનમાં બહારગામ જતા રહીશો માટે ખાસ અપીલ કરી છે કે, જ્યારે પણ ઘર બંધ કરીને બહાર જાવ ત્યારે સ્થાનિક પોલીસને અગાઉથી જાણ કરવી જેથી સુરક્ષા વધારી શકાય. હાલમાં પોલીસ આરોપીઓની ઓળખ થઈ ગઈ હોવાનો દાવો કરી રહી છે, ત્યારે હવે એ જોવું રહ્યું કે ખાખી વર્દીવાળા આ કુખ્યાત તસ્કરોને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે.


આ પણ વાંચો: Ahmedabad News : દિવાળીના તહેવારોમાં તસ્કરોનો આંતક! બારેજામાં એકસાથે પાંચ મકાનોને નિશાન બનાવી ચોરો પલાયન