અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં તહેવારોની મોસમ વચ્ચે કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના અસલાલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા બારેજા નગરપાલિકાના વોર્ડ નંબર ૬ ની મારુતિ સોસાયટીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. દિવાળીના તહેવારો હોવાને કારણે સોસાયટીના મોટાભાગના રહીશો પોતાના પરિવાર સાથે બહારગામ ફરવા ગયા હતા, જેના કારણે સોસાયટીમાં સુમસામ માહોલ છવાયેલો હતો. આ જ સૂમસામ માહોલનો ગેરલાભ ઉઠાવીને તસ્કરોએ એકસાથે પાંચ મકાનોના નકુચા અને તાળાં તોડીને ચોરીની આ મોટી ઘટનાને અંજામ આપ્યો હતો.
સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી
તસ્કરોએ ખૂબ જ આયોજનબદ્ધ રીતે બંધ મકાનોને નિશાન બનાવીને અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલી ચીજવસ્તુઓની ભારે ઉઠાંતરી કરી હતી. મકાનોમાં ઘૂસેલા તસ્કરોએ આખું ઘર અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું અને કબાટના તાળાં તોડીને કિંમતી દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. એકસાથે પાંચ-પાંચ ઘરોમાં તસ્કરી થતાં વિસ્તારમાં ભારે હડકંપ મચી ગયો હતો. આ ઘટના દરમિયાન મોઢે માસ્ક બાંધીને આવેલા બે શખ્સો સોસાયટીમાં લગાવેલા CCTV કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગયા છે, જેના આધારે પોલીસ તસ્કરોની ઓળખ કરવાની કવાયત કરી રહી છે.
