ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) એ ડિજિટલ ટિકિટિંગ અને ઓનલાઈન બુકિંગ ક્ષેત્રે વધુ એક ગૌરવવંતી સિદ્ધિ હાંસલ કરીને સમગ્ર દેશમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ દ્વારા દેશની તમામ રાજ્ય પરિવહન નિગમોમાં એક જ દિવસમાં સૌથી વધુ બુકિંગ અને આવક મેળવવાનો નવો ઇતિહાસ રચાયો છે. આ સિદ્ધિ સાથે જીએસઆરટીસીએ સળંગ 7માં વર્ષે આ ગૌરવપૂર્ણ સ્થાન જાળવી રાખ્યું છે. ભાઈ બીજના પવિત્ર પર્વ નિમિત્તે એક જ દિવસમાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડીને કુલ 1,46,875 સીટોનું સર્વોચ્ચ બુકિંગ નોંધાયું છે, જેમાં માત્ર મોબાઇલ એપ્લિકેશન દ્વારા જ 99,402 સીટોનું બુકિંગ થવાથી ડિજિટલ માધ્યમ પ્રત્યે લોકોનો ભરોસો સ્પષ્ટ દેખાઈ આવે છે.
આવકના મામલે પણ નવો સીમાચિહ્ન સર
ડિજિટલ બુકિંગની સાથે-સાથે નાણાકીય આવકના મામલે પણ નિગમે અભૂતપૂર્વ સફળતા મેળવી છે. ભાઈ બીજના આ એક જ દિવસમાં નિગમ દ્વારા કુલ રૂ. 3.55 કરોડની માતબર ડિજિટલ આવક નોંધાઈ છે, જેમાં એકલા મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી જ રૂ. 2.27 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. આ સિદ્ધિ વડાપ્રધાનના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને વધુ મજબૂત બનાવે છે. વર્ષ 2019 માં 74,368 સીટો અને રૂ. 1.53 કરોડની આવકથી શરૂ થયેલી આ સફર પ્રગતિ કરતી કરતી વર્ષ 2026 માં તેના સર્વોચ્ચ શિખરે પહોંચી છે, અને આ વર્ષે એક જ દિવસની કુલ આવક 13 કરોડ રૂપિયાથી પણ વધુ થઈ છે.
