ગુજરાતના હાઇવે પર અકસ્માતોની વણઝાર વચ્ચે વધુ એક અત્યંત હ્રદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. ભાવનગર-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉપર પીપળી ગામ પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદથી ભાવનગર ખાતે પોતાના સંબંધીની ખબર અંતર પૂછીને પરત પોતાના ઘરે જઈ રહેલા એક પરિવારની કાર પરથી ચાલકે અચાનક કાબૂ ગુમાવી દીધો હતો. કાર બેકાબૂ બનીને પલટી ખાતા કે અથડાતા સર્જાયેલી આ ભયાનક દુર્ઘટનામાં કારમાં સવાર નજીરભાઈ મેમણ અને તેમના ધર્મપત્ની અલફીનાબેન નજીરભાઈ મેમણનું સ્થળ પર જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.
હોસ્પિટલમાં સારવાર ચાલુ
આ અકસ્માત એટલો જોરદાર હતો કે ગાડીમાં બેઠેલા તમામ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. દંપતીના કરુણ મોતની સાથે-સાથે આ દુર્ઘટનામાં તેમની આઠ વર્ષની નાની દીકરી તેમજ તેમની સાથે રહેલા અન્ય 3 વ્યક્તિઓ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો અને 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલમાં માસૂમ બાળકી સહિતના ઘાયલોની સારવાર ચાલી રહી છે.
