ભાવનગરમાં નકલી ઇંગ્લિશ દારૂ કાંડમાં 9 લોકોના મોત અને 39થી વધુ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતા સમગ્ર ઘટનાએ ગંભીર સવાલો ઊભા કર્યા છે. તપાસ આગળ વધતાં નકલી દારૂના ઉત્પાદન પાછળ મિથેનોલના આંતરરાજ્ય નેટવર્ક અને બોગસ કંપનીનો ઉપયોગ થયો હોવાના ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે.

મિથેનોલ મંગાવનાર કંપની બોગસ 

તપાસમાં સામે આવેલી વિગતો મુજબ મધ્યપ્રદેશ અને દિલ્હીથી મિથેનોલ મંગાવવામાં આવ્યું હતું. મિથેનોલ મંગાવનાર કંપની બોગસ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ કેમિકલ સરખેજ વિસ્તારમાં સપ્લાય થયા બાદ તેનો ઉપયોગ કરીને નકલી ઇંગ્લિશ દારૂ તૈયાર કરવામાં આવ્યો હોવાની તપાસ ચાલી રહી છે.

મુખ્ય સૂત્રધાર તરીકે ઉજ્જૈનના રઈસ અને ગૌતમના નામ 

આ સમગ્ર કાંડના મુખ્ય સૂત્રધાર તરીકે ઉજ્જૈનના રઈસ અને ગૌતમના નામ સામે આવ્યા છે. પોલીસ હવે બંને સહિત મિથેનોલના સપ્લાયથી લઈને નકલી દારૂના ઉત્પાદન અને વેચાણ સુધીના સમગ્ર નેટવર્કની કડીઓ શોધી રહી છે.

https://twitter.com/sandeshnews/status/2090644886580335004 


ડોક્ટર ઉર્ફે નરેન્દ્ર યાદવનું પણ આ જ નકલી દારૂ પીવાથી મોત 

આ કેસમાં વધુ એક ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે કાંડમાં ભાગીદાર હોવાનું કહેવાતા ડોક્ટર ઉર્ફે નરેન્દ્ર યાદવનું પણ આ જ નકલી દારૂ પીવાથી મોત નીપજ્યું હતું. એટલે કે નકલી દારૂના ગેરકાયદે કારોબાર સાથે સંકળાયેલો શખ્સ પણ આ ઝેરી દારૂનો ભોગ બન્યો હોવાનું સામે આવ્યું છે.

અત્યાર સુધી 13 આરોપીઓની ધરપકડ 

પોલીસે આ કેસમાં કુલ 21 આરોપીઓ સામે ગુનો નોંધી અત્યાર સુધી 13 આરોપીઓની ધરપકડ કરી છે. બાકીના આરોપીઓ અને મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા તપાસ તેજ કરવામાં આવી છે.

સરકારી તંત્રની કામગીરી સામે પણ ગંભીર સવાલો 

આ ઘટનાએ સરકારી તંત્રની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે. મિથેનોલ જેવી અત્યંત જોખમી વસ્તુની ખરીદી, સપ્લાય અને તેના દુરુપયોગ સુધીની પ્રક્રિયામાં ક્યાં અને કેવી રીતે તંત્રની નજર ચૂકી, તે હવે તપાસનો મહત્વપૂર્ણ મુદ્દો બન્યો છે. 9 મોત અને ડઝનોથી વધુ લોકોને સારવારની જરૂર પડ્યા બાદ આ કાંડને માત્ર નકલી દારૂનો કેસ નહીં, પરંતુ સમગ્ર વ્યવસ્થાના સંભવિત ‘ટોપ ટુ બોટમ’ ફેઈલ્યોર તરીકે જોવામાં આવી રહ્યો છે.  


આ પણ વાંચો   :    Bhavnagar લઠ્ઠાકાંડની તપાસમાં સનસનાટીભર્યા ખુલાસા, આરોપીઓએ 3 વખત ઝેરી દારુ બનાવ્યો પણ.....