તાજેતરમાં અમદાવાદના બોપલ પોલીસ મથક વિસ્તારમાં આવેલા શીલજ સર્કલ નજીક ગુરુકૃપા ટ્રેડર્સ ચાર રસ્તા પાસે વહેલી સવારે સાત વાગ્યે હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી હતી. પૂરપાટ ઝડપે આવી રહેલી રેન્જ રોવર કારના ચાલકે રેપિડોને જોરદાર અડફેટે લીધી હતી.આ અકસ્માતમાં બાઇક પાછળ બેઠેલા નિર્દોષ મુસાફર યુવકનું કરુણ મોત નીપજ્યું હતું.અકસ્માત સર્જનાર કારચાલક બાપુનગરના ભાજપના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહનો ભત્રીજો રાઘવેન્દ્ર કુશવાહ હોવાનું સામે આવ્યું છે.
કાર ચાલકે રેપીડો ચાલકને અડફેટે લીધો
પોલીસ સુત્રો અનુસાર, વહેલી સવારે સાત વાગ્યાના સુમારે ગુરુકૃપા ટ્રેડર્સ ચાર રસ્તા પાસેથી રેપિડો ચાલક પ્રદીપ કુમાર પોતાની બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા. આ સમયે તેમની બાઇક પાછળ 35 વર્ષીય હર્ષદકુમાર પુરબિયા સવાર હતા.અચાનક રેન્જ રોવર કારના ચાલકે રેપિડો બાઇકને જોરદાર ટક્કર મારી હતી.આ અકસ્માતમાં રેપિડો ચાલક પ્રદીપ કુમાર અને પાછળ બેઠેલા હર્ષદકુમાર બંને કારની અડફેટે આવ્યા હતા.નીચે પટકાયેલા હર્ષદકુમાર પુરબિયાનું ગંભીર ઇજાઓને કારણે સ્થળ પર જ મોત નીપજ્યું હતું.મૃતક હર્ષદકુમાર શાસ્ત્રીનગરના રહેવાસી અને મૂળ સુરેન્દ્રનગરના ધાંગધ્રાના વતની હતા.અકસ્માત સર્જ્યા બાદ રેન્જ રોવર ગાડીનો ચાલક કાર લઈને ઘટનાસ્થળેથી તરત ફરાર થઈ ગયો હતો.
