અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી અત્યંત શર્મજનક ઘટના સામે આવી છે. ચાંદખેડા પોલીસ મથકની હદમાં રહેતા એક સાવકા પિતાએ પોતાની જ સગીર વયની દીકરી સાથે શારીરિક અડપલાં કરી દુષ્કર્મ આચર્યું હતું. તપાસમાં સામે આવ્યું છે કે, માતાની ગેરહાજરીનો ગેરલાભ ઉઠાવીને આ નરાધમ છેલ્લા 2 મહિનાથી સગીરા સાથે આ નિર્લજ્જ કરતૂત કરી રહ્યો હતો.
ઘરમાંથી કાઢી મૂકવાની અને જાનથી મારવાની ધમકી
સગીરાની માતાના આ બીજા લગ્ન હોવાથી, આરોપી નરાધમ સગીરા પર સતત માનસિક અને શારીરિક રીતે ત્રાસ ગુજારતો હતો. જો આ ઘટના અંગે કોઈને જાણ કરશે, તો માતા અને દીકરી બંનેને ઘરમાંથી કાઢી મૂકવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. આ ડર અને મજબૂરીના કારણે માસૂમ દીકરી મૂંગા મોંએ પિતાની હેવાનીયત સહન કરી રહી હતી, પરંતુ પિતાએ તમામ હદો વટાવી દેતાં આખરે સગીરાએ હિંમત ભેગી કરી આ સમગ્ર મામલાની જાણ પોતાની માસીને કરી હતી.

વીડિયો કોલથી પુરાવો ભેગો કરી નરાધમને ખુલ્લો પાડ્યો
સગીરાની આપવીતી સાંભળ્યા બાદ માસી અને મામાએ આ અંગે સગીરાની માતાને જાણ કરી હતી. પોલીસ કાર્યવાહીમાં મજબૂત પુરાવો મળી રહે તે માટે પરિવારે એક ચતુર યોજના બનાવી હતી. સગીરાએ માસી અને મામા સાથે વીડિયો કોલ ચાલુ રાખીને મોબાઈલ ફોન રૂમમાં છૂપી રીતે ગોઠવી દીધો હતો. આ દરમિયાન સાવકા પિતાએ કરેલી છેડતીની કાળી કરતૂતો કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

ચાંદખેડા પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી જેલ ભેગો કર્યો
વીડિયો પુરાવો હાથ લાગતાં જ પરિવારે તાત્કાલિક ચાંદખેડા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે ગંભીરતા દાખવીને નરાધમ પિતા સામે ભારતીય ન્યાય સંહિતાની દુષ્કર્મની કલમો તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તેની તાત્કાલિક ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસે આરોપીને જેલહવાલે કરી આગળની કાનૂની કાર્યવાહી અને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Ahmedabadના ચાંદખેડામાં સાવકા પિતાએ 17 વર્ષીય સગીર પુત્રીની કરી છેડતી, માતા પહોંચી પોલીસ મથકે!