અમદાવાદ જિલ્લાના ચાંગોદર GIDC વિસ્તારમાં પોલીસ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દહેજની કેમિકલ કંપનીઓમાંથી આવતા ટેન્કરોમાંથી ગેરકાયદે કેમિકલ ચોરી કરતી એક સક્રિય ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અમદાવાદ ગ્રામ્ય LCBની ટીમે બાતમીના આધારે દરોડા પાડીને આ ગેંગના પકડવામાં મોટી સફળતા મેળવી છે.

દેવભૂમિ એસ્ટેટ પાસે રંગેહાથ ઝડપાયા આરોપીઓ

અમદાવાદ ગ્રામ્ય LCBની ટીમે ચાંગોદર GIDC વિસ્તારમાં આવેલા દેવભૂમિ એસ્ટેટના કેનાલ રોડ પર સઘન તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન કેમિકલ ભરેલા ટેન્કરમાંથી ચાલાકીપૂર્વક કેમિકલ ચોરી કરવામાં આવી રહી હતી. પોલીસે આશરે 4 બેરલમાંથી કુલ 770 લીટર ફીનોલ કેમિકલ ઝડપી પાડ્યું હતું અને સ્થળ પરથી જ આરોપીઓને દબોચી લીધા હતા.

લાખો રૂપિયાનો મુદ્દામાલ અને વાહનો જપ્ત

પોલીસની આ સઘન કાર્યવાહીમાં તસ્કરી માટે ઉપયોગમાં લેવાતા 22 ખાલી બેરલ તેમજ વાલ્વ ફિટ કરેલી વિશેષ પાઇપ પણ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત કેમિકલ ભરેલું ટેન્કર, એક બોલેરો પિકઅપ અને બે ટુ-વ્હીલર સહિતના વાહનો કબજે કરવામાં આવ્યા છે. ટેન્કરમાં રહેલા કુલ 23.453 ટન ફીનોલ કેમિકલ સાથે અંદાજે રૂ. 68.20 લાખથી વધુનો કુલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Ahmedabad News: Chemical Theft Gang Busted in Changodar GIDC, Goods Worth ₹68.20 Lakh Seized

ઉત્તર પ્રદેશ અને અમદાવાદના શખ્સોની ધરપકડ

આ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા આ શખ્સોમાં ઉત્તર પ્રદેશના 2 અને અમદાવાદના 3 આરોપીઓનો સમાવેશ થાય છે. ચાંગોદર પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધીને આ રેકેટના મુખ્ય સૂત્રધાર અને અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવા માટે વધુ સઘન તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો: Ahmedabadના ગીતામંદિર મોબાઇલ માર્કેટમાંથી ડુપ્લિકેટ ‘સેમસંગ મોબાઇલ’ રેકેટનો પર્દાફાશ!