અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ગુનાખોરી અટકાવવા માટે સક્રિય અમદાવાદ ગ્રામ્ય LCBની ટીમે કેમિકલ ચોરીના એક વિશાળ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. LCB ની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ચાંગોદર GIDC વિસ્તારમાં દરોડો પાડીને કેમિકલ ચોરીનું કૌભાંડ આચરતી ગેંગને રંગેહાથ ઝડપી પાડવામાં આવી છે. પોલીસની આ સફળ કામગીરીથી કેમિકલ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ટેન્કરમાંથી ચોરી કરી ગોડાઉનમાં કરાતો હતો સંગ્રહ
ચાંગોદર GIDCમાં આવેલા એક ગોડાઉનમાં કેમિકલ ભરેલા ટેન્કરોમાંથી ગેરકાયદે કેમિકલ ચોરી કરવાનું કાવતરું રચવામાં આવ્યું હતું. આરોપીઓ ટેન્કરમાંથી ફિનાઇલ કેમિકલની ચોરી કરી ગોડાઉનમાં જમા કરતા હતા અને ત્યારબાદ તેને બજારમાં ગેરકાયદે વેચી દેતા હતા. ગ્રામ્ય LCB એ દરોડો પાડીને સ્થળ પરથી જ કેમિકલ ચોરી કરી રહેલા 5 આરોપીઓની અટકાયત કરી છે.

68.20 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી મોટી માત્રામાં ચોરી કરેલું ફિનાઇલ કેમિકલ, કેમિકલ ભરેલું ટેન્કર, અન્ય વાહનો, મોબાઇલ ફોન તેમજ રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા આ તમામ સાધન-સામગ્રી અને વાહનો મળીને કુલ રૂ. 68.20 લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.
ચાંગોદર પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ શરૂ
આ સમગ્ર મામલે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ચોરીના નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંકળાયેલા છે, કેમિકલ ક્યાંથી લાવવામાં આવતું હતું અને ક્યાં વેચવામાં આવતું હતું તે દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: Ahmedabad News: ચાંગોદરમાં કેમિકલ ચોરી કરતી કુખ્યાત ગેંગ પકડાઈ: 68.20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત