અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરાએ ગત 10 ઓગસ્ટે સાબરમતી નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ હવે મૃતક સગીરાનો આપઘાત પહેલાનો એક વિડીયો સામે આવ્યો છે. નાની ઉંમરે લગ્ન થયા બાદ લગ્નજીવનમાં સર્જાયેલા અણબનાવને કારણે પતિએ તેને ઘરમાંથી કાઢી મૂકી હોવાનો આક્ષેપ કરાયો છે. ત્યારથી સગીરા પિતાના ઘરે પરત આવીને સતત માનસિક દુઃખ અને તણાવમાં રહેતી હતી.
વિડીયોમાં પતિ સામે ગંભીર આક્ષેપો
આપઘાત જેવું અંતિમ પગલું ભરતા પહેલા સગીરાએ પોતાના પતિને ઉદ્દેશીને એક વિડીયો રેકોર્ડ કર્યો હતો. આ વિડીયોમાં તેણે પતિ સામે અત્યાચાર અને નકામા સંબંધો અંગેના ગંભીર આક્ષેપો કર્યા હતા. ઘટના બાદ સાબરમતી નદીમાંથી સગીરાનો મૃતદેહ મળી આવતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
