અમદાવાદ શહેરના પોશ ગણાતા શાહીબાગ વિસ્તારમાં આવેલા એક બંગ્લામાં દોઢેક મહિના પહેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની મોટી ચોરીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. કાપડના વેપારીના ઘરે નોકરી કરતા એક ઘરઘાટીએ જ વિશ્વાસઘાત કરીને આ લાખો રૂપિયાની ચોરીને અંજામ આપ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો, જેથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી.

છત્તીસગઢથી આરોપી ઝડપાયો, 35 લાખનો મુદ્દામાલ કબ્જે

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે સઘન તપાસ કરીને આ કેસમાં મોટો પર્દાફાશ કર્યો છે. પોલીસે મૂળ રાજસ્થાનના અને હાલ ફરાર ચાલી રહેલા આરોપી જયંતીલાલ ઓસ્વાલને છત્તીસગઢમાંથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે તેની પાસેથી ચોરીમાં ગયેલા રૂપિયા 33,50,000 ની કિંમતના સોના-ચાંદીના દાગીના, રૂપિયા 1,43,000 રોકડા અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 35 લાખનો મુદ્દામાલ સફળતાપૂર્વક કબ્જે કર્યો છે.

કરોડપતિઓને ટાર્ગેટ કરવાની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી

પોલીસ પૂછપરછમાં આરોપીની એક પછી એક ગુનાહિત કારસ્તાનો બહાર આવ્યા છે. આ આરોપી માત્ર કરોડપતિ વ્યક્તિઓને જ ટાર્ગેટ કરતો હતો અને જ્યાં પણ નોકરી કરવા જાય ત્યાં ખોટું નામ ધારણ કરતો હતો. શરૂઆતના દિવસોમાં ખૂબ જ પ્રામાણિક બનીને કામ કરી મકાન માલિકનો ભરોસો જીતી લેતો હતો. ત્યારબાદ ઘરની કિંમતી વસ્તુઓ અને રોકડ ક્યાં રાખવામાં આવે છે, તેની રેકી કરીને તક મળતા જ લાખોનો માલ લઈને રફુચક્કર થઈ જતો હતો. ફરિયાદીને ત્યાં પણ તે સવા મહિનાથી ઘરઘાટી તરીકે નોકરી કરતો હતો.

Ahmedabad News: Crime Branch Arrests Fraudulent Servant from Chhattisgarh for Rs 35 Lakh Theft

અગાઉ પણ સુરતમાં નોંધાઈ ચૂક્યા છે ગુના

આરોપીના ભૂતકાળ પર નજર કરીએ તો તેની વિરુદ્ધ અગાઉ સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં 5 અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં 1 એમ કુલ 6 ગુના નોંધાઈ ચૂક્યા છે. એટલું જ નહીં, તે અગાઉ એક વખત પાસા હેઠળ પણ જેલની હવા ખાઈ ચૂક્યો છે. હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની કડક પૂછપરછ હાથ ધરીને અન્ય કોઈ ગુનાઓમાં તેની સંડોવણી છે કે, કેમ તે અંગે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.


આ પણ વાંચો: Navratri 2026: અમદાવાદ પોલીસનું અભેદ્ય સુરક્ષા કવચ, 14,000 પોલીસકર્મીઓ, AI કેમેરા અને ડ્રોન સાથે તંત્ર સુસજ્જ!