આગામી 11 તારીખથી શરૂ થઈ રહેલા ભવ્ય નવરાત્રિ પર્વને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાપન માટે એક વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં 84 ગરબા આયોજકો માટે મંજૂરી પ્રક્રિયા ચાલી રહી છે, જ્યારે આશરે 1,300 જગ્યાઓ પર પરંપરાગત શેરી ગરબાનું આયોજન થવાનું છે. ખેલૈયાઓ સુરક્ષિત વાતાવરણમાં ગરબા માણી શકે તે માટે તંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
14,000 સુરક્ષા કર્મીઓ અને AI કેમેરાથી સજ્જ મોનિટરિંગ
અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 500 જેટલા ઉચ્ચ અધિકારીઓ (જેમાં સેક્ટર JCP, DCP, ACP, PI અને PSIનો સમાવેશ થાય છે) મોનિટરિંગ કરશે. કુલ મળીને 14,000 પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડ જવાનો તૈનાત રહેશે. ગરબા ગ્રાઉન્ડ પર ભીડ નિયંત્રિત કરવા અને સુરક્ષા વધારવા માટે AI બેઝ્ડ કેમેરા, ડ્રોન તેમજ કાઉન્ટિંગ મશીન ફરજિયાત કરવામાં આવ્યા છે. સમગ્ર શહેરમાં આશરે 4,000 જેટલા કેમેરા દ્વારા વિવિધ લોકેશન પર બાજ નજર રાખવામાં આવશે.

મહિલાઓની સુરક્ષા માટે વિશેષ 'શી ટીમ' અને સાયબર વિંગ
મહિલાઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને 49 શી ટીમની ગાડીઓ, 49 PCB અને અન્ય 60 જેટલી વાહનોની ટીમો સતત પેટ્રોલિંગ કરશે. શી ટીમમાં કુલ 300 અધિકારીઓ અને કર્મચારીઓ તૈનાત રહેશે. આ ઉપરાંત 'સાયબર રક્ષિકા' ટીમ પણ સોશિયલ મીડિયા પર નજર રાખશે. જો કોઈ વ્યક્તિ મહિલાઓના ફોટોસ ખેંચીને કે વાયરલ કરીને હેરાન કરશે, તો તેની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. કટોકટીની સ્થિતિમાં નાગરિકો 181 અથવા 112 હેલ્પલાઇનનો સંપર્ક કરી શકશે.

ટ્રાફિક વ્યવસ્થા અને ડ્રગ્સ વિરુદ્ધ કડક ચેકિંગ
આયોજકો અને સંચાલકો સાથે બેઠક યોજીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. AMC, R&B અને NHAI દ્વારા રોડ-રસ્તા સુધારણાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને SP રિંગ રોડ સહિતના બંધ રસ્તાઓ ખોલી દેવાયા છે. ટ્રાફિક વ્યવસ્થા જાળવવા 20 ક્રેન તૈનાત રહેશે. આ ઉપરાંત, SOG ટીમ ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ દ્વારા અને શહેર પોલીસ બ્રિથ એનાલાઇઝર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરશે, જેથી અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ કસી શકાય.

આ પણ વાંચો: Ahmedabad-રાજકોટ હાઈવે પર બગોદરા ગામે સર્જાયો 1 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ!









