અમદાવાદ શહેરમાં ગુનાખોરી આચરતા અને નાસતા ફરતા ગુનેગારો સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સપાટો બોલાવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરીને વેજલપુર વિસ્તારના રહેવાસી અને લાંબા સમયથી ચોપડે વોન્ટેડ એવા કુખ્યાત હિસ્ટ્રીશીટર મોહમદ મોજમ ઉર્ફે આદિલને ઝડપી લીધો છે.
મોહમદ મોજમ કુખ્યાત હિસ્ટ્રીશીટર ઝડપાયો
પોલીસે આરોપીની તલાશી લેતાં તેની પાસેથી 2 પિસ્તોલ અને 19 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. આ સિવાય ગુનાહિત પ્રવૃત્તિમાં વપરાતી એક હ્યુન્ડાઇ વેન્યુ કાર અને બે મોબાઇલ ફોન મળીને કુલ રૂ. 5.41 લાખનો મુદ્દામાલ પોલીસે ઘટનાસ્થળેથી જપ્ત કર્યો છે.
અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયા
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે ઝડપાયેલો આદિલ રીઢો ગુનેગાર છે અને વર્ષ 2017 થી અત્યાર સુધીમાં તેની સામે 16 થી પણ વધુ ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તે અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનોમાં હત્યાનો પ્રયાસ, ખંડણી ઉઘરાવવી, મારામારી, ધમકી આપવી, આર્મ્સ એક્ટ અને NDPS (નશાકારક પદાર્થોની હેરાફેરી) જેવા ગુનાઓમાં લાંબા સમયથી વોન્ટેડ હતો.
આરોપી રાજકોટ અને સુરતની જેલમાં જઈ ચૂક્યો
આરોપી આદિલ અગાઉ પણ પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓને કારણે વર્ષ 2019 અને 2022 માં પાસા (PASA) હેઠળ રાજકોટ અને સુરતની જેલમાં જઈ ચૂક્યો છે. જેલમાંથી છૂટ્યા બાદ ફરીથી તે ગુનાખોરીમાં સક્રિય થયો હતો. ક્રાઇમ બ્રાન્ચે આરોપી આદિલ સામે નવો ગુનો નોંધી, તે આ પિસ્તોલ અને કારતૂસ ક્યાંથી લાવ્યો હતો અને અમદાવાદમાં કયા મોટા ગુનાને અંજામ આપવાની ફિરાકમાં હતો તે દિશામાં રિમાન્ડ મેળવી ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: Rajkot: કણકોટમાં સગીર પુત્રએ જ કરી પિતાની ગળેટૂંપો આપી હત્યા, દારૂડિયા અને માતા પરના ત્રાસથી કંટાળી ભર્યું પગલું