રાજકોટ શહેર નજીક આવેલા કણકોટ ગામની સીમમાં સ્થિત એક બાંધકામ સાઈટ પર પિતા અને પુત્ર વચ્ચેનો કૌટુંબિક કલહ લોહીયાળ જંગમાં પરિણમ્યો છે. બાંધકામ સાઈટ પર મજૂરી કામ કરતા અને પરિવાર સાથે રહેતા 40 વર્ષીય ભરતસિંગ ડામોર નામના વ્યક્તિની તેના જ સગીર વયના પુત્ર દ્વારા ગળેટૂંપો આપી હત્યા કરી દેવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

સગીર પુત્રએ પિતાને ગળેટૂંપો આપી દીધો

ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને રાજકોટ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યા પાછળનું પ્રાથમિક કારણ અત્યંત ચોંકાવનારું બહાર આવ્યું છે. મૃતક ભરતસિંગ ડામોર દારૂ પીવાની સખત કૂટેવ ધરાવતો હતો અને રોજ દારૂ પીને ઘરે આવીને સગીર પુત્રની માતા (પોતાની પત્ની) સાથે અમાનુષી મારપીટ અને ગાળાગાડી કરતો હતો. આ સિવાય તે દારૂ પીવા અને ઘરખર્ચ માટે વારંવાર પૈસા માગીને પરિવારને સતત માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો.

સગીર પુત્રનો ગુસ્સો સીમા વટાવી ગયો 

પિતાના રોજબરોજના ત્રાસ અને માતા પર થતા અત્યાચારને જોઈને સગીર પુત્રનો ગુસ્સો સીમા વટાવી ગયો હતો. આવેગમાં આવીને સગીર પુત્રએ પોતાના જ પિતાને ગળેટૂંપો આપી દીધો હતો, જેના કારણે ભરતસિંગનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. રાજકોટ તાલુકા પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે અને ગુનો નોંધીને સગીર આરોપી પુત્રને પોતાના સિકંજામાં લઈ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે.

આ પણ વાંચો: Ahmedabad: ચાંદખેડાના જગતપુરમાં ફ્લેટમાંથી ઘરઘાટી 27.50 લાખની ચોરી કરી ફરાર, ઘરેણાં સહિત રોકડમાં હાથફેરો