અમદાવાદના એક વેપારીએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં હોમિયોપેથીક લિકવિડના વેચાણના નામે રૂપિયા 32.72 લાખની ઠગાઈ કરી હોવાની ફરિયાદ થઈ હતી. જેમાં અગાઉ જામનગરથી આ ગેંગના 5 આરોપી ઝડપાયા હતા. મુંબઈના માસ્ટર માઈન્ડ સલીમ શેખ અને ડૉ. ત્રીજુગીલાલ કુર્મીની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે.
સાયબર ક્રાઈમે મુંબઈ અને બેંગ્લોરથી આરોપીને ઝડપ્યા
નેપાળના ચૌધરી દંપતીના નામે 15 એકાઉન્ટ ખોલાવીને ઠગાઈના નાણાંનું ટ્રાન્જેક્શન કર્યું હતું. સાયબર ક્રાઈમે ઠગાઈના નાણાંની ડિલિવરી લેવા આવેલા નાઈઝીરિયનને ઝડપી લીધો હતો. આ ગેંગ નાઈઝીરિયન દ્વારા કરવામાં આવતી ઠગાઈમાં બેન્ક એકાઉન્ટ સપ્લાય કરતા હતા. સાયબર ક્રાઈમે મુંબઈ અને બેંગ્લોરથી આરોપીને ઝડપ્યા છે. આરોપીઓ જુદા જુદા એન્ટરપ્રાઈઝના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવતા હતા. આ બેન્ક એકાઉન્ટમાં નાણાંના ટ્રાન્જેક્શન પર 6થી 10 ટકા કમિશન મેળવતા હતા. સમગ્ર ભારતમાંથી 100થી વધુ ફરિયાદ આ ગેંગ સામે આવી હતી. મેટ્રોમોનિયલ સાઈટ અને બિઝનેસ મેઈલમાંથી પણ આ ગેંગ ફ્રોડ કરતા હતા.
ફરિયાદીએ રૂપિયા 5,52,500 ભરીને 1લિટર લિક્વિડ ખરીદ્યું
આરોપીઓએ આફ્રિકન કંપની તરીકે ઓળખ આપીને ફરિયાદીનો સંપર્ક કર્યો અને જણાવ્યું કે તેઓ મેલેરિયાની સારવારમાં વપરાતું હોમિયોપેથીક લિક્વિડ Eupatorium Mercola liquidના સપ્લાયર શોધી રહ્યા છે. તેઓએ ફરિયાદીને લાલચ આપી કે તેઓ ભારતીય વેન્ડર શર્મા એન્ટરપ્રાઈઝ પાસેથી 6,500 ડોલરમાં લિક્વિડ ખરીદીને આફ્રિકન કંપનીને 11,000 ડોલરમાં વેચે તો મોટો ફાયદો થશે. ફરિયાદીએ રૂપિયા 5,52,500 ભરીને 1લિટર લિક્વિડ ખરીદ્યું અને દિલ્હી ખાતે આફ્રિકન લેબ સાયન્ટિસ્ટ મોશિન મુરે નાઇજીરીયન વ્યક્તિ પાસે સેમ્પલ એપ્રુવ કરાવ્યું. વિશ્વાસ કેળવ્યા બાદ ફરિયાદી પાસે રૂપિયા 27 લાખ એડવાન્સ પેટે AXIS બેન્કના ખાતામાં ભરાવ્યા અને ભીલવાડા રાજસ્થાન ખાતેની બોગસ શર્મા એન્ટરપ્રાઈઝમાંથી ઓર્ડર લઈ જવા જણાવ્યું. ફરિયાદી ત્યાં તપાસ કરવા જતાં કોઈ કંપની ન મળતાં તેમની સાથે ફ્રોડ થયાની જાણ થઈ હતી.
10% કમિશન મેળવતો
આ ગુનામાં મુખ્ય નાઈજીરીયન ગેંગ માટે પૈસાની હેરફેર કરતું મોટું નેટવર્ક કામ કરી રહ્યું હતું. સલીમ શેખ કે જે મુંબઈનો મુખ્ય સૂત્રધાર તે ઉત્તર પ્રદેશ, બિહાર, નેપાળથી માણસો લાવીને તેમના નામે જુદા જુદા 12થી 15 બેન્ક એકાઉન્ટ ખોલાવતો અને તે એકાઉન્ટ નાઈજીરીયન આરોપીઓને આપતો. બદલામાં તે 10% કમિશન મેળવતો. તે દુબઈ સ્થિત ગેમિંગ અને બેટિંગ એપ્લિકેશનો માટે પણ એકાઉન્ટ મોકલી આપતો હતો. ક્રિષ્ણામતી અને મહેશ ચૌધરી નામના દંપતી ફ્રોડના પૈસા જમા કરાવવા માટે 'શ્રીરામ એન્ટરપ્રાઈઝ' જેવા નામે એકાઉન્ટ ખોલાવતા અને ફ્રોડના નાણા ઉપાડીને મુખ્ય આરોપીઓને મોકલી આપતા.
તેઓને જાણ થાય કે ફરિયાદ થઈ છે તો તેઓ રાજ્ય બદલી નાખતા. માદુફોર સ્ટીવ ઉઝોચી કે જે નાઈજીરીયન સભ્ય છે આ આરોપી સલીમ શેખ પાસેથી નાણાં મેળવી મુખ્ય નાઈજીરીયન ગેંગને મોકલી આપતો હતો અને તે ખોટા વિઝા પર મુંબઈમાં રહેતો હતો. સાયબર ક્રાઈમ બ્રાંચે કૃષ્ણમતી ચૌધરી, મહેશ ચૌધરી, સલીમ શેખ, ત્રિજુગી લાલ કુર્મી, રાજેશ કુમાર સરોજ, આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.