અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પોલીસકર્મીઓ પાસેથી ફરિયાદની તપાસ પતાવી આપવાની લાલચ આપીને રૂ.50 લાખ પડાવવાના અને ત્યારબાદ વધુ રૂ.10 લાખની માંગણી કરી ધમકી આપવાના આરોપમાં પિતાપુત્રની ધરપકડ કરી છે.આરોપીઓની ઓળખ થલતેજના એન.ડી.ચૌધરી અને તેમના પુત્ર આકાશ ચૌધરી તરીકે થઈ છે.પોલીસે તેમના ત્યાં દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી. તેમના પાંચ ઠેકાણાઓ પર પોલીસ પહોંચી હતી.જ્યાંથી તેમના કબજામાં રહેલી ઢગલાબંધ જમીનોની ફાઈલો મળી આવી હતી. 

બોગસ કંપનીના દસ્તાવેજો પણ મળી આવ્યા 

પોલીસે મહાઠગ એન ડી ચૌધરીના પાંચ ઠેકાણાઓ પર રેડ પાડી હતી. આ રેડ દરમિયાન પોલીસને તેના કબજામાં રહેલી ઢગલાબંધ જમીનોની ફાઈલો મળી આવી હતી. શંકાસ્પદ બોગસ કંપનીના દસ્તાવેજો પણ મળી આવ્યા હતાં. કેટલાક ગરીબ ખેડૂતોની જમીનો પણ ખોટી રીતે મેળવી લીધી હોવાનું સામે આવ્યું છે. ક્રઆઈમ બ્રાંચે અલગ અલગ ટીમો બનાવીને આ મુદ્દે તપાસ હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર,સાબરમતી UGVCL પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કેટલાક પોલીસકર્મીઓ સામે એક ફરિયાદની તપાસ ચાલી રહી હતી.આ દરમિયાન આરોપી વિષ્ણુભાઈ ચૌધરીએ પોલીસકર્મીઓનો સંપર્ક કરીને તપાસ પતાવી આપવાની ખાતરી આપી હતી. તેના બદલામાં તેણે નાણાંની માંગણી કરી હતી. પોલીસકર્મીઓએ રકમ અંગે પૂછતાં આરોપીએ રૂ.50 લાખની માંગણી કરી હતી.

નાણાં પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો

આરોપીની સૂચના મુજબ પોલીસકર્મીઓ થલતેજ વિસ્તારમાં ગુરુદ્વારા પાસે આવેલા તેના ઘરે પહોંચ્યા હતા.ત્યાં વિષ્ણુભાઈ અને તેના પુત્ર આકાશે સાથે મળીને રૂ.50 લાખ રોકડા લીધા હતા.ત્યારબાદ પોલીસકર્મીઓએ ફરિયાદની તપાસનું શું થયું તે અંગે પૂછપરછ કરતાં તપાસ પતી ન હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસકર્મીઓએ આરોપીઓ પાસે આપેલું વચન પૂરું કરવાની માંગણી કરી હતી.ત્યારે પિતા-પુત્રએ વધુ રૂ.10 લાખ આપવાની માંગણી કરી હતી. જો નાણાં નહીં આપવામાં આવે તો આ તપાસના મામલે તેમની સામે ગુનો નોંધાવી દેવાની ધમકી પણ આપી હતી.આરોપીઓની આ હરકતથી પોલીસકર્મીઓએ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ફરિયાદ કરી હતી. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તપાસ પતાવી આપવાના બહાને રૂ.50 લાખ પડાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ ધમકી આપીને વધુ નાણાં પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

છેતરપિંડી અને ખંડણી સહિતની કલમો હેઠળ ગુનો

આ મામલે સરકારી કર્મચારીઓ સાથે છેતરપિંડી અને ખંડણી સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરીને બંને આરોપીઓની ધરપકડ કરી હતી.ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ વિષ્ણુભાઈ ઉર્ફે એન.ડી. ચૌધરી અને આકાશ વિષ્ણુભાઈ ઉર્ફે એન.ડી.ચૌધરી ઉર્ફે આકાશ ચૌધરી તરીકે થઈ છે.ક્રાઇમ બ્રાન્ચે જાહેર જનતાને અપીલ કરી છે કે,આ બંને આરોપીઓ દ્વારા કોઈની સાથે છેતરપિંડી કરવામાં આવી હોય અથવા અન્ય કોઈ ગુનાહિત કૃત્યનો ભોગ બન્યા હોય તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને કાયદેસરની કાર્યવાહી કરાવે.

આ પણ વાંચોઃ Maharashtra: મુંબઈમાં જ્વેલરી શોપ બહાર હેલ્મેટ પહેરેલા હુમલાખોરોએ ધડાધડ ફાયરિંગ કર્યું