મુંબઈના માહિમ વિસ્તારમાં બુધવારે સાંજે ફાયરિંગની ઘટનાથી અફરાતફરી મચી ગઈ હતી.એલ.જે.રોડ પર આવેલી PC જૈન જ્વેલરી શોપની બહાર બાઇક પર આવેલા બે અજાણ્યા હુમલાખોરોએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળીબારનો અવાજ સાંભળીને આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈને ગોળી વાગી નથી.જ્વેલરી શોપના માલિક ભરત જૈન સહિત તમામ કર્મચારીઓ સુરક્ષિત છે.
હેલ્મેટ પહેરીને આવ્યા ગોળીબાર કરી ફરાર થયા
પ્રાથમિક માહિતી અનુસાર,બુધવારે સાંજે આશરે 7:35 વાગ્યે માહિમના એલ.જે. રોડ પર જાગૃતિ સોસાયટી અને શોભા હોટલ જંક્શન પાસે આવેલી PC જૈન જ્વેલરી શોપ બહાર આ ઘટના બની હતી.બાઇક પર હેલ્મેટ પહેરીને આવેલા બે હુમલાખોરોએ દુકાન નજીક બાઇક ઊભી રાખી હતી. ત્યારબાદ તેઓ નીચે ઉતરીને ફૂટપાથ પરથી દુકાનની બહાર પહોંચ્યા હતા અને બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળીબાર કર્યા બાદ બંને આરોપીઓ ફરી બાઇક પર સવાર થઈને ઝડપથી ફરાર થઈ ગયા હતા.
વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા
ઘટનાની જાણ થતાં જ મુંબઈ પોલીસ એક્શનમાં આવી હતી.એડિશનલ પોલીસ કમિશનર વિક્રમ દેશમાને, DCP ઝોન-5 મહેન્દ્ર પંડિત અને માહિમ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત ફોરેન્સિક ટીમને પણ બોલાવવામાં આવી હતી, જેણે જરૂરી પુરાવા એકત્રિત કરવાની કામગીરી શરૂ કરી હતી.DCP મહેન્દ્ર પંડિતે ફાયરિંગની ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે માહિમમાં શોભા હોટલ નજીક ગોળીબાર થયો હતો. જોકે, આ ઘટનામાં કોઈ વ્યક્તિ ઘાયલ થઈ નથી. પોલીસ હવે ફાયરિંગ પાછળનું કારણ શોધી રહી છે.
CCTV ફૂટેજના આધારે હુમલાખોરોની શોધખોળ
પોલીસ આસપાસના વિસ્તારોમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાનાં ફૂટેજ તપાસી રહી છે, જેથી બંને હુમલાખોરોની ઓળખ થઈ શકે.આ ઉપરાંત અન્ય ટેક્નિકલ પુરાવાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.હાલમાં સ્પષ્ટ થયું નથી કે હુમલાખોરોએ જ્વેલરી શોપને જ નિશાન કેમ બનાવી હતી અને ફાયરિંગ પાછળનો હેતુ શું હતો. પોલીસ તમામ સંભવિત પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. ઘટનાને પગલે માહિમ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ Flipkart CEO કલ્યાણ કૃષ્ણમૂર્તિનું રાજીનામું, 11 વર્ષ બાદ છોડશે કંપનીનો સાથ