ગુજરાત ATS દ્વારા ઝડપાયેલા 3 આતંકીઓ પૈકીના એક, ડો. અહેમદ સૈયદના મામલે વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ATS ની તપાસ દરમિયાન, ડો. અહેમદ સૈયદના હૈદરાબાદ સ્થિત ઘરેથી એક ગુપ્ત લેબોરેટરી મળી આવી છે. આ લેબોરેટરી અસદ મંઝીલના મકાન નંબર 9 માંથી મળી છે. આ લેબમાં કેમિકલ મિશ્રણ કરીને ઝેરી પદાર્થો બનાવવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. ATSએ લેબોરેટરીમાંથી આશરે 6 લીટર ઝેરી કેમિકલનો જથ્થો પણ જપ્ત કર્યો છે. આ જથ્થો ATS દ્વારા સીઝ કરીને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં વધુ પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યો છે.


લેબોરેટરીમાં 'રાઈઝીન' ઝેર બનાવતો હતો

ડો. અહેમદ સૈયદની આ ગુપ્ત લેબોરેટરીમાં ખાસ કરીને કેમિકલનું મિશ્રણ કરીને 'રાઈઝીન' (Ricin) નામનું અત્યંત ઝેરી કેમિકલ બનાવવામાં આવતું હતું. રાઈઝીન એક એવું ઝેર છે, જે ખૂબ ઓછા પ્રમાણમાં પણ માણસના મોતનું કારણ બની શકે છે અને તેનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓમાં થઈ શકે છે. ATSના જણાવ્યા અનુસાર, આતંકીના આકા અબુ ખબીજાએ આ લેબોરેટરી તૈયાર કરવા માટે અહેમદ સૈયદને નાણાં મોકલ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, મોકલેલા લગભગ રૂપિયા 1 લાખની રકમનો ઉપયોગ કરીને આ લેબોરેટરી સેટઅપ કરવામાં આવી હતી, જેનો હેતુ ખતરનાક ઝેરી કેમિકલનું નિર્માણ કરવાનો હતો.

આતંકીઓના નેટવર્કની ઊંડી તપાસ

ગુજરાત ATS ની ટીમે લેબોરેટરીમાંથી મળેલા મુદ્દામાલના આધારે આતંકીઓના સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે તપાસનો દોર લંબાવ્યો છે. રાઈઝીન જેવા ઝેરી કેમિકલના નિર્માણનો ઉદ્દેશ શું હતો, તેનો ઉપયોગ ક્યાં અને કયા ષડયંત્રમાં થવાનો હતો, તે દિશામાં તપાસ ચાલી રહી છે. અબુ ખબીજા દ્વારા મોકલાયેલા પૈસા અને અન્ય આર્થિક વ્યવહારોની પણ વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. આ ખુલાસાએ રાષ્ટ્રીય સુરક્ષા માટેના જોખમને વધુ ગંભીર બનાવ્યું છે અને ATS આ સમગ્ર નેટવર્કમાં સંડોવાયેલા અન્ય લોકોની શોધખોળ કરી રહી છે.



  • Follow us on: