દેશની રાજધાની દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર વિદેશથી ભારતમાં ઘુસાડવામાં આવી રહેલા હાઈ-ગ્રેડ ગાંજાના મોટા જથ્થા સાથે એક મુસાફરની અટકાયત કરવામાં આવી છે. વિયેતનામથી ભારત આવેલા આ મુસાફર પાસેથી રૂ. 1.55 કરોડની અંદાજિત આંતરરાષ્ટ્રીય કિંમતનો 4.43 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો છે. એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓ અને કસ્ટમ્સ વિભાગની સઘન સતર્કતાના કારણે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરીનું મોટું સિંડીકેટ નિષ્ફળ બન્યું છે.

ટ્રાવેલ બેગના 4 પાઉચમાંથી મળ્યો ગાંજો

મળેલી માહિતી અનુસાર, વિયેતનામથી આવેલી ફ્લાઈટમાંથી ઉતરેલા શંકાસ્પદ મુસાફરના સામાનનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન તેની ટ્રાવેલ બેગની તલાશી લેતાં તેમાંથી ખાસ રીતે પેક કરવામાં આવેલા 4 શંકાસ્પદ પાઉચ મળી આવ્યા હતા. અધિકારીઓએ આ પાઉચ ખોલીને તપાસ કરતાં તેમાંથી ઉચ્ચ ગુણવત્તા ધરાવતો 4.43 કિલો ગાંજો મળી આવ્યો હતો. તસ્કરે ખૂબ જ ચાલાકીપૂર્વક બેગમાં આ જથ્થો છુપાવ્યો હતો, પરંતુ કસ્ટમ્સ અને સુરક્ષા કર્મચારીઓની નજરથી તે બચી શક્યો નહોતો.

NDPS એક્ટ હેઠળ ધરપકડ અને તપાસનો ધમધમાટ

ઝડપાયેલા ડ્રગ્સના જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે રૂ. 1.55 કરોડ આંકવામાં આવી છે. અધિકારીઓએ તમામ જથ્થો જપ્ત કરીને મુસાફર સામે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધીને તેની સત્તાવાર ધરપકડ કરી લીધી છે. આ ડ્રગ્સ ભારતમાં કોને સપ્લાય કરવાનું હતું અને આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્ક સાથે આરોપીના શું સંબંધો છે તે દિશામાં સુરક્ષા એજન્સીઓએ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Gandhinagar News : ગિફ્ટ સિટીમાં ડેન્ગ્યુનો ઉપદ્રવ! હંગામી ક્વાર્ટર્સમાં રહેતા BSF જવાનો બીમાર પડતાં આરોગ્ય વિભાગ દોડતું થયું