ગાંધીનગરના ગિફ્ટ સિટી (Gift City) ખાતે આયોજિત આગામી એકતા પરેડ (Ekta Parade) ની તૈયારીઓ માટે દેશના વિવિધ વિસ્તારોમાંથી આવેલા સીમા સુરક્ષા બળ (BSF) ના જવાનો પર આરોગ્યનું મોટું સંકટ આવી પડ્યું છે. પરેડની કડક પ્રેક્ટિસ દરમિયાન BSF ના 14 જેટલા જવાનો ડેન્ગ્યુના ભરડામાં સપડાયા હોવાના સત્તાવાર રિપોર્ટ સામે આવ્યા છે. આ ઉપરાંત 70 થી વધુ જવાનોને સખત તાવ, શરદી અને શારીરિક અસ્વસ્થતાની ફરિયાદો ઊભી થતાં સુરક્ષા દળોના અધિકારીઓ અને સ્થાનિક તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે.

સરકારી ક્વાર્ટર્સમાં હંગામી રહેણાંક અને રોગચાળાનું સંકટ

એકતા પરેડ માટે આવેલા BSF ના જવાનોની સગવડ માટે રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર ખાતેના સરકારી ક્વાર્ટર્સમાં હંગામી ધોરણે રહેવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી ક્વાર્ટર્સ અને આસપાસના વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધવાને કારણે જવાનોની તબિયત એકાએક લથડવા લાગી હતી. એકસાથે 70 થી વધુ જવાનો બીમાર પડતાં તમામના લોહીના નમૂના લઈ તબીબી પરીક્ષણ હાથ ધરવામાં આવ્યા હતા, જેમાંથી 14 જવાનોનો ડેન્ગ્યુ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આરોગ્ય વિભાગ દ્વારા મેગા ડ્રાઇવ અને દવાઓનો છંટકાવ શરૂ

BSF જવાનોમાં ડેન્ગ્યુ પોઝિટિવના કેસો સામે આવતાં જ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા આરોગ્ય વિભાગની ટીમો તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ છે. BSF ના જવાનો જે સરકારી ક્વાર્ટર્સમાં રોકાયેલા છે તે સમગ્ર રહેણાંક વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા ધુમાડા (ફોગિંગ), એન્ટી-લાર્વા કામગીરી અને દવાઓનો છંટકાવ શરૂ કરી દેવામાં આવ્યો છે. બીમાર પડેલા તમામ જવાનોને યોગ્ય તબીબી સારવાર પૂરી પાડવામાં આવી રહી છે અને અન્ય જવાનોના સ્વાસ્થ્યનું પણ સતત માનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : Porbanadar News : 1200 પરમિટધારકોની વર્ષો જૂની આતુરતાનો અંત, જાણો ક્યાં અને ક્યારે શરૂ થશે લીકર શોપ!