મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં ટૂંક સમયમાં એક નવો વળાંક જોવા મળશે. રાજ્ય સરકાર અને સંબંધિત વિભાગ દ્વારા પોરબંદરમાં સત્તાવાર રીતે લીકર શોપ (દારૂની દુકાન) શરૂ કરવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. પોરબંદરમાં હેલ્થ તેમજ અન્ય સત્તાવાર કારણોસર દારૂ રાખવાની પરમિટ ધરાવતા આશરે 1200 જેટલા પરમિટધારકો માટે આ નિર્ણય અત્યંત રાહતરૂપ સાબિત થશે. આગામી ટૂંક સમયમાં જ તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને આ લીકર શોપ કાર્યરત કરી દેવામાં આવશે.
રાજકોટ અને જામનગરને બદલે પોરબંદરની પસંદગી
અત્યાર સુધી પોરબંદર જિલ્લાના પરમિટધારકોને પોતાનો દારૂનો જથ્થો ખરીદવા માટે રાજકોટ અથવા જામનગર સુધી લાંબા ધક્કા ખાવા પડતા હતા, જેના કારણે તેમનો સમય અને નાણાં બંનેનો વ્યય થતો હતો. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને તંત્ર દ્વારા આજુબાજુના અન્ય મોટા શહેરોના બદલે પોરબંદરમાં જ નવી સત્તાવાર લીકર શોપ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી સ્થાનિક પરમિટધારકોને પોતાના જ શહેરમાંથી સરળતાથી દારૂ મળી રહેશે.
