ધંધુકા ખાતે ધર્મેશ ગમારા નામના યુવાનની હત્યાના બનાવને પગલે શહેરમાં સર્જાયેલી ઉત્તેજના વચ્ચે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવા આઈજી દ્વારા ખાસ SIT (સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ) ની રચના કરવામાં આવી છે, જેનું નેતૃત્વ ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિ કરશે. પોલીસ દ્વારા આ ઘટનામાં સંડોવાયેલા બે મુખ્ય આરોપી સમીર અને રિઝવાનની ધરપકડ કરાઈ છે. ગત 18 એપ્રિલે બાઇક ઓવરટેક કરવાના મામલે થયેલી બોલાચાલી બાદ ઝઘડો થતા ધર્મેશ ગમારાને અન્ય યુવકોએ છરીના ઘા મારતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ કેસમાં હવે ગેરકાયદે દબાણો દૂર કરાશે. આરોપીઓની ગેરકાયદે મિલ્કતો પર બુલડોઝર ફરશે
દબાણ હટાવવાની કામગીરીને લઈને પોલીસની તૈયારી
સમગ્ર ઘટના અંગે જીલ્લા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટે જણાવ્યું છે કે આ હત્યાનો બનાવ માત્ર બે વ્યક્તિઓ વચ્ચેની અંગત માથાકૂટ છે, જેમાં કોઈ બે સમાજ વચ્ચે ઝઘડો નથી. પોલીસે અત્યાર સુધીમાં હત્યાના બે આરોપીઓને ઝડપી પાડયા છે. આ ઉપરાંત, ત્યારબાદ શહેરમાં તોડફોડ અને આગજની કરનાર ટોળા સામે પણ રાયોટિંગનો અલગ ગુનો દાખલ કરી તેમની ઓળખની પ્રક્રિયા હાથ ધરી છે. બીજી તરફ મૃતકના ભાઈએ ન્યાયની માંગ કરી છે. હાલમાં ધંધુકા શહેરમાં જનજીવન રાબેતા મુજબ થઈ ગયું છે. ધંધૂકામાં આરોપીઓની ગેરકાયદે મિલ્કતો પર બુલડોઝર ફરશે. દબાણ હટાવવાની કામગીરીને લઈને પોલીસની તૈયારી શરૂ કરાઈ છે.સમગ્ર બાબતને લઈને ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી.













