અમદાવાદ જિલ્લાના ધોલેરા પોલીસ સ્ટેશનની ટીમે ચોક્કસ બાતમીના આધારે મીંગલપુર ગામની સીમમાં રેડ કરીને શંકાસ્પદ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. પોલીસને મળી બાતમી મુજબ દારૂનો ગેરકાયદે સંગ્રહ કરીને વેચાણ કરવાની પેરવી થઈ રહી હતી, જેના આધારે રેડ કરીને ઘટના સ્થળેથી દારૂના જથ્થા સાથે એક મુખ્ય આરોપીની અટકાયત કરવામાં આવી છે.

રોયલ સ્ટેગ વ્હિસ્કીની 24 બોટલો સાથે 66,464 નો મુદ્દામાલ જપ્ત

પોલીસે કાર્યવાહી દરમિયાન આરોપી શૈલેશભાઈ ઉર્ફે શૈલો અજમલ મેરના કબ્જામાંથી ‘ROYAL STAG SUPERIOR WHISKY’ ની કુલ 24 બોટલો કબ્જે કરી છે. દારૂનો આ જથ્થો શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે. ધોલેરા પોલીસે વિદેશી દારૂ તથા અન્ય સામગ્રી મળીને કુલ 66,464 નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગરથી મંગાવ્યો હતો દારૂનો જથ્થો, અવાવરૂ જગ્યાએ છુપાવ્યો હતો

પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે, આરોપી શૈલેશે તારીખ 17 ઓગસ્ટે ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા જયદીપ નામના શખ્સ અને અન્ય એક અજાણ્યા ઇસમ પાસેથી ઇંગ્લિશ દારૂની 2 પેટી મંગાવી હતી. દારૂનો જથ્થો આવી ગયા બાદ તેને સીમ વિસ્તારની એક અવાવરૂ જગ્યાએ છુપાવી રાખવામાં આવ્યો હતો, જ્યાંથી પોલીસે રેડ કરીને તેને શોધી કાઢ્યો હતો.

પ્રોહિબિશન એક્ટ હેઠળ 3 શખ્સો સામે ગુનો દાખલ

આ સમગ્ર મામલે ધોલેરા પોલીસે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ મુખ્ય આરોપી શૈલેશ મેર, ભાવનગરના જયદીપ અને દારૂ પહોંચાડનાર અજાણ્યા ઇસમ સહિત કુલ 3 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી દીધો છે. પોલીસે પકડાયેલા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરીને આ શંકાસ્પદ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો - Ahmedabad News: વિવિધ સરકારી ભરતીની પરીક્ષાને લઈ પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું