દિવાળીના તહેવારની ખુશીઓ વચ્ચે સાયબર ઠગોએ નાગરિકોને નિશાન બનાવવાનો નવો પેંતરો રચ્યો છે. સરકાર દ્વારા દિવાળી બોનસ પેટે રૂ. 8,000 આપવાની લાલચ આપીને લોકોને ફસાવવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી યોજનાના નામે વાયરલ થઈ રહેલા આ ફેક મેસેજ થકી નાગરિકોના બેંક ખાતા ખાલી કરવા અને ખાનગી માહિતી ચોરવાનો મોટો ખેલ ચાલી રહ્યો છે, જેને લઈને સાયબર ક્રાઇમ બ્રાન્ચે ગંભીર ચેતવણી આપી છે.
APK ફાઇલના માધ્યમથી ડેટા ચોરી કરવાનું મોટું જોખમ
સાયબર ગુનેગારો દ્વારા મોકલવામાં આવતા આ મેસેજમાં એક લિંક આપવામાં આવે છે. જેવી વ્યક્તિ આ લિંક પર ક્લિક કરે છે કે તરત જ ફોનમાં એક APK ફાઇલ ડાઉનલોડ થઈ જાય છે. ત્યારબાદ જુદા જુદા પેજ ખોલીને અરજી કરવાનું નાટક કરવામાં આવે છે. આ પ્રોસેસ દરમિયાન ઠગોનો મુખ્ય હેતુ મોબાઇલનો એક્સેસ મેળવવાનો હોય છે, જેથી WhatsApp, Telegram તેમજ બેંકિંગ એપ્લિકેશન્સની ખાનગી વિગતો સરળતાથી ચોરી શકાય.
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિશેષ ચેતવણી
આ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી લવિના સિન્હાએ સ્પષ્ટ કર્યું છે કે સરકાર દ્વારા આવી કોઈ પણ પ્રકારની બોનસ યોજનાની જાહેરાત કરવામાં આવી નથી. આ મેસેજ સંપૂર્ણપણે નકલી છે અને તે માત્ર ગુજરાતી જ નહીં પરંતુ હિન્દી, બંગાળી અને અન્ય પ્રાદેશિક ભાષાઓમાં પણ ફેલાવાઈ રહ્યો છે. તહેવારોની મોસમમાં લોકોની લાગણી અને લાલચનો લાભ ઉઠાવવા માટે ઠગો આવા નુસખા અપનાવતા હોય છે.

સાયબર ઠગાઈથી બચવા માટે આટલું રાખો ખાસ ધ્યાન
આવા ઓનલાઈન ફ્રોડથી સુરક્ષિત રહેવા માટે નાગરિકોએ કોઈપણ અજાણી લિંક કે APK ફાઇલ પર ક્લિક કરવાનું ટાળવું જોઈએ. હંમેશાં સત્તાવાર પ્લેટફોર્મ્સ અને સરકારી વેબસાઇટ્સ પર જ માહિતી ચકાસવી. જો કોઈ વ્યક્તિ અજાણતાં આવી ઠગાઈનો ભોગ બને તો તરત જ સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરવો અથવા નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવી જેથી સમયસર કાર્યવાહી થઈ શકે.
આ પણ વાંચો: Explainer: 2027ની ચૂંટણીમાં કિંગ મેકર બનશે આદિવાસી સમાજ?