નેપાળથી સોનૌલી માર્ગે મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો ભારતમાં લાવવામાં આવી રહ્યો હોવાની ગુપ્ત બાતમી ડીઆરઆઈને મળી હતી.આ બાતમી મળતાં જ તપાસ એજન્સી દ્વારા તુરંત યોજના ઘડી કાઢવામાં આવી હતી અને ઉત્તર પ્રદેશમાં 17 અને 18 ઓક્ટોબર દરમિયાન એક ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.આ ઓપરેશન દરમિયાન અધિકારીઓની ટીમ સતત સતર્ક રહીને માર્ગો પર ચાંપતી નજર રાખી રહી હતી.તે દરમિયાન ગોરખપુર અને કુશીનગર વચ્ચેના માર્ગ પરથી પસાર થઈ રહેલા એક શંકાસ્પદ ટ્રકને રોકવામાં આવ્યો હતો.
ગાંજાનાં કુલ 81 પેકેટ મળી આવ્યા હતા
અધિકારીઓએ ટ્રકને અટકાવીને તેની બારીકાઈથી તપાસ હાથ ધરી હતી.ટ્રકની ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન તેમાં ગાંજો છુપાવવા માટે ખાસ રીતે બનાવવામાં આવેલા બે ગુપ્ત ખાનાં મળી આવ્યા હતા.આ ટ્રકના બોનેટની ઉપર તેમજ ડ્રાઇવરની સીટ પાછળ આ ગુપ્ત ખાનાં તૈયાર કરવામાં આવ્યા હતા, જેથી સામાન્ય તપાસ દરમિયાન કોઈનું ધ્યાન ન જાય.આ બંને ગુપ્ત ખાનાંની સંપૂર્ણ તપાસ કરવામાં આવતાં તેમાંથી ગાંજાનાં કુલ 81 પેકેટ મળી આવ્યા હતા. અધિકારીઓએ આ તમામ પેકેટો બહાર કાઢીને તેનું વજન કરતાં કુલ 591.3 કિલો ગાંજો હોવાનું સામે આવ્યું હતું. આટલા મોટા પ્રમાણમાં ગાંજો મળી આવતાં ડીઆરઆઈ દ્વારા તમામ 81 પેકેટ કાયદેસર રીતે જપ્ત કરી લેવામાં આવ્યા હતા.નશીલા પદાર્થોની ગેરકાયદે હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલા આખા ટ્રકને પણ અધિકારીઓએ પોતાના કબજે લઈ જપ્ત કર્યો હતો.તપાસ દરમિયાન વાહનમાંથી અન્ય કોઈ ગેરકાયદે સામગ્રી છે કે નહીં તેની પણ ઝીણવટભરી ચકાસણી કરાઈ હતી.
