રાજ્યમાં નકલી ખાદ્ય પદાર્થો બાદ હવે દર્દીઓના જીવ સાથે ચેડાં કરતું નકલી દવાઓનું મોટું કૌભાંડ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ઉત્તર પ્રદેશના લખનઉ ડ્રગ્સ વિભાગે કરવામાં આવેલી સઘન તપાસમાં આ આંતરરાજ્ય કૌભાંડના તાર સીધા ગુજરાતના અમદાવાદ શહેર સુધી જોડાયેલા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. અગાઉ હાઈ બ્લડ પ્રેશરની નકલી દવાઓ પકડાયા બાદ હવે વધુ એક ગંભીર દવાનું નકલી નેટવર્ક સામે આવ્યું છે.
કુરિયર મારફતે ચાલતું હતું નકલી દવાનું નેટવર્ક
લખનઉ ડ્રગ્સ વિભાગની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, કૌભાંડીઓ દ્વારા કોઈ સત્તાવાર બિલિંગ કે પરવાનગી વગર માત્ર કુરિયર સેવાઓનો ઉપયોગ કરીને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં નકલી દવાઓનો મોટો જથ્થો સપ્લાય કરવામાં આવતો હતો. તપાસ દરમિયાન ખેંચ (આંચકી) ની અત્યંત મહત્વપૂર્ણ ગણાતી 'લેવેરા-500' નામની નકલી દવાઓનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

એલિસબ્રિજની ક્યોરપાથ સહિત 3 સામે ગુનો દાખલ
આ સમગ્ર કૌભાંડમાં અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી 'ક્યોરપાથ' નામની ફર્મ અને તેના સંચાલકોની સંડોવણી સામે આવી છે. તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, 43,000 થી પણ વધુ દવાની સ્ટ્રિપનો કોઈ સંતોષકારક હિસાબ કે સ્ટોક ચોપડે મળી આવ્યો નથી. આ ગંભીર બેદરકારી અને ગેરરીતિ બદલ એલિસ બ્રિજની ક્યોરપાથ સહિત કુલ 3 શંકાસ્પદ પેઢીઓ/વ્યક્તિઓ સામે સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

માસૂમ દર્દીઓના જીવ જોખમમાં મૂકતું રેકેટ
ખેંચ કે મગજ સંબંધિત બીમારીઓમાં વપરાતી લેવેરા-500 જેવી સંવેદનશીલ દવાઓ જો નકલી કે ગુણવત્તા વગરની હોય તો દર્દીનો જીવ પણ જઈ શકે છે. માત્ર કમિશન અને કાળી કમાણી ખાતર આચરવામાં આવતા આ કૌભાંડને પગલે આરોગ્ય તંત્ર અને ડ્રગ્સ વિભાગે હવે દવાબજારમાં દરોડાનો દૌર શરૂ કર્યો છે, જેથી આવી નકલી દવાઓ સામાન્ય નાગરિકો સુધી પહોંચતી અટકાવી શકાય.
આ પણ વાંચો: Ahmedabad News : તૂટશે ત્યારે તંત્ર જાગશે? જર્જરિત પીરાણા-વિશાલા બ્રિજ પર પ્રતિબંધ છતાં ઓવરલોડ વાહનોની બેરોકટોક એન્ટ્રી!