અમદાવાદમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આર્થિક ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. Electrotherm India Ltd. (EIL) સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં ED એ આશરે રૂ. 43.65 કરોડની ચલ સંપત્તિ કામચલાઉ રીતે જપ્ત કરી છે. આ કાર્યવાહી હેઠળ યસ બેંકમાં ઇલેક્ટ્રોથર્મ કંપનીના બે ખાતામાં રહેલી રૂ. 25.08 કરોડની રકમ અટેચ કરવામાં આવી છે, તેમજ કંપનીના પ્રમોટરોના રૂ. 18.57 કરોડની કિંમતના કુલ 13,57,775 શેર પણ જપ્ત કરાયા છે.
લોનની રકમનો ગેરઉપયોગ અને મની લોન્ડ્રિંગનો ખુલાસો
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, વર્ષ 2007 થી 2013 દરમિયાન બેંક પાસેથી લીધેલી લોનની રકમનો ગેરઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેને અન્યત્ર ટ્રાન્સફર કરવામાં આવી હતી. લોન મંજૂર થયા બાદ જે હેતુ માટે નાણાં આપવામાં આવ્યા હતા, તેના બદલે જૂની જવાબદારીઓ ચૂકવવામાં આ રકમ વાપરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. આ ઉપરાંત, વિવિધ સંસ્થાઓ મારફતે નાણાંનું લેયરિંગ કરીને કરોડો રૂપિયાની રોકડ રકમ પણ ઉપાડી લેવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

