અમદાવાદ ચર્ચાસ્પદ બનેલા મેફેડ્રોન ડ્રગ્સ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અત્યંત કડક પગલાં લેવામાં આવ્યા છે. EDએ મની લોન્ડરિંગ અટકાયત ધારા (PMLA) હેઠળ મોટી કાર્યવાહી કરતા હૈદરાબાદ અને મંઢસૌર સ્થિત મિલકતોને જપ્ત કરી લીધી છે.

રૂ. 90 લાખથી વધુની સંપત્તિઓ કરાઈ અટેચ

પ્રાપ્ત વિગતો અનુસાર, EDની તપાસમાં ડ્રગ્સના કારોબાર સાથે જોડાયેલી ગેરકાયદે નાણાકીય લેવડ-દેવડ સામે આવી હતી. આ મામલામાં તપાસને આગળ ધપાવતા એજન્સી દ્વારા હૈદરાબાદ અને મંઢસૌર ખાતે આવેલી રૂ. 90 લાખથી વધુ કિંમતની સ્થાવર અને અસ્થાવર મિલકતોને સત્તાવાર રીતે અટેચ કરવામાં આવી છે.

70 કરોડના MD ડ્રગ્સ પ્રકરણમાં ધમધમી તપાસ

તમને જણાવી દઈએ કે, આ સમગ્ર મામલો આશરે રૂ. 70 કરોડના મસમોટા MD ડ્રગ્સ પ્રકરણ સાથે જોડાયેલો છે. આ કેસમાં વેદ પ્રકાસ વ્યાસ સહિત અન્ય સંડોવાયેલા શખ્સો સામે ED દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ગેરકાયદેસર રીતે વસાવવામાં આવેલી સંપત્તિઓની ઓળખ કરીને કાયદાકીય શિકંજો વધુ મજબૂત કરવામાં આવી રહ્યો છે.

અગાઉ ત્રણ આરોપીઓની થઈ ચૂકી છે ધરપકડ

આ હાઇપ્રોફાઇલ ડ્રગ્સ રેકેટમાં અગાઉ પણ કેન્દ્રીય તપાસ એજન્સી ED દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. અગાઉ આ કેસમાં સંડોવાયેલા ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે, અને હવે તેમની ગેરકાયદે સંપત્તિઓ ટાંચમાં લેવાની કાર્યવાહીથી ડ્રગ્સ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.


આ પણ વાંચો: Ahmedabad: 15 વર્ષ બાદ તંત્રને થયું જ્ઞાન, એજ્યુનોવા સ્કૂલની માન્યતા રદ, હવે 180 વિદ્યાર્થીઓનું શું?