ઈડીની મુંબઈ ઝોનલ ઓફિસ-1 દ્વારા 16 ઓક્ટોબર, 2026ના રોજ બે મુખ્ય લિસ્ટેડ કંપનીઓ મેસર્સ આર એમ ડ્રિપ એન્ડ સ્પ્રિંકલર્સ સિસ્ટમ્સ લિમિટેડ અને મેસર્સ આરએન્ડબી ડેનિમ્સ લિમિટેડના શેરમાં થયેલા વ્યવહારો અંગેની તપાસ દરમિયાન આ બંને કંપનીઓની ઓફિસો,પ્રમોટર્સના રહેઠાણો,નીચા ભાવે શેર મેળવનાર વ્યક્તિઓના રહેઠાણો ઉપરાંત સ્ટોક બ્રોકિંગ અને ફાયનાન્સ કંપનીઓની કચેરીઓ તેમજ પ્રમોશનલ વોટ્સએપ ગ્રૂપનું સંચાલન કરતી શંકાસ્પદ વ્યક્તિઓના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. પીએમએલએ હેઠળની તપાસમાં બહાર આવ્યું છે કે,એપ્રિલ 2023થી માર્ચ 2024 દરમિયાન આ બંને કંપનીઓ દ્વારા પસંદગીની વ્યક્તિઓ અને એકમોને 3.5 કરોડથી વધુ શેર તેમજ કન્વર્ટિબલ વોરન્ટ્સ ઈશ્યૂ કરવામાં આવ્યા હતા.

શેર મુખ્યત્વે આ ચોક્કસ જૂથના હાથમાં જ રહ્યા

આ શેર ખરીદવા માટે જરૂરી નાણાંનો મોટો હિસ્સો પરસ્પર જોડાયેલા નજીકના લોકો,કંપનીઓ અને ધિરાણકર્તાઓના નાના વર્તુળમાંથી જ ચૂકવવામાં આવ્યો હતો.આ સમગ્ર પ્રક્રિયા બાદ મહિનાઓ સુધી શેર મુખ્યત્વે આ ચોક્કસ જૂથના હાથમાં જ રહ્યા હતા અને ધીમે ધીમે કૃત્રિમ રીતે શેરના ભાવ સતત વધારવામાં આવ્યા હતા.શેરના ભાવ વધાર્યા બાદ સામાન્ય છૂટક રોકાણકારોને આકર્ષવા માટે ડિસેમ્બર 2025ના અંતથી ફેબ્રુઆરી 2026 દરમિયાન એક સુવ્યવસ્થિત ષડયંત્ર ચલાવાયું હતું.જેમાં મલ્ટિબેગર સ્ટોક્સ જેવા નામો ધરાવતા વિવિધ વોટ્સએપ સમુદાયો બનાવીને સામાન્ય રોકાણકારોને આ કંપનીઓના શેર ખરીદવા માટે રોજેરોજ ટિપ્સ મોકલવામાં આવતી હતી. 

શેરો ઊંચા ભાવે સામાન્ય રોકાણકારોને પધરાવી દીધા

આ ગ્રૂપ ચલાવવા માટે હરિયાણા અને મુંબઈની અન્ય વ્યક્તિઓના નામે મેળવેલા સિમ કાર્ડનો ઉપયોગ થતો હતો.પરંતુ તેનું વાસ્તવિક સંચાલન ગુજરાતના ભાવનગરથી કરવામાં આવતું હતું.આ આકર્ષક ટિપ્સના કારણે બંને સ્ક્રિપ્સમાં ખરીદદારોની સંખ્યા અનેક ગણી વધી ગઈ હતી. જેના લીધે શેરોના ભાવમાં કૃત્રિમ રીતે ભારે ઉછાળો નોંધાયો હતો.ખાસ કરીને આરએમડીએસએસએલની સ્ક્રિપને વિવિધ ગ્રૂપમાં મોટા પાયે પ્રમોટ કરીને લોકોમાં ખરીદીનો ભારે રસ ઊભો કરાયો હતો. પ્રમોશનના આ સમયગાળા દરમિયાન શેરના ભાવ અને ટ્રેડિંગ વોલ્યુમ બંનેમાં મોટો વધારો થયો હતો, જેનો લાભ ઉઠાવીને પ્રેફરન્શિયલ શેર ધારકોએ પોતાના શેરો ઊંચા ભાવે સામાન્ય રોકાણકારોને પધરાવી દીધા હતા.સર્ચ ઓપરેશન દરમિયાન ઈડીએ પારિવારિક રીતે જોડાયેલા લાભાર્થીઓના મુખ્ય જૂથોની ઓળખ કરી છે.

ટ્રેડિંગ એકાઉન્ટ્સ તાત્કાલિક અસરથી ફ્રીઝ કર્યા

જેમાં એફ્લુઅન્સ જેમ્સ અને અન્ય, કાવા એચયુએફ અને અન્ય તેમજ કોમલય કન્સલ્ટન્સી અને અન્યનો સમાવેશ થાય છે.તપાસમાં સ્પષ્ટ થયું છે કે આ તમામ લાભાર્થીઓએ પ્રેફરન્શિયલ વોરન્ટ્સ દ્વારા લક્ષિત સ્ક્રિપ્સના શેર નીચા ભાવે મેળવ્યા હતા.ત્યારબાદ શેરના ભાવ કૃત્રિમ રીતે વધારવા માટે વોટ્સએપ ઉપરાંત ટ્વિટર, એસએમએસ અને અન્ય ચેનલો મારફતે એક સુનિયોજિત કેમ્પેઈન ચલાવવામાં આવ્યું હતું. આ ગેરરીતિ સામે કાર્યવાહી કરતાં ઈડીએ સંબંધિત વ્યક્તિઓ અને કંપનીઓના આશરે રૂ.200 કરોડના મૂલ્ય ધરાવતા ટ્રેડિંગ એકાઉન્ટ્સ તાત્કાલિક અસરથી ફ્રીઝ કર્યા છે. આ સાથે સર્ચ દરમિયાન સ્થળ પરથી અનેક વાંધાજનક દસ્તાવેજો,ડિજિટલ ડિવાઈસિસ, શેર વ્યવહારોના ચોપડા અને મિલકતો સંબંધિત દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે. સમગ્ર પ્રકરણમાં એજન્સી દ્વારા આગળની વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Gandhinagar News: રાજ્યના 12 IAS અધિકારીઓ વિદેશ પ્રવાસે જશે, જાણો તેમનો ચાર્જ કોને સોંપાયો