અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થો અને ગેરકાયદે ડ્રગ્સના નેટવર્કને નાબૂદ કરવા માટે અમદાવાદ પોલીસે સપાટો બોલાવ્યો છે. વેજલપુર પોલીસની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ફતેવાડી વિસ્તારમાં આવેલા રમજાના પાર્કના એક મકાન પર અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન મકાનમાંથી નશાકારક કફસિરૂપનો મોટો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
કોડેઇન ફોસ્ફેટયુક્ત 354 બોટલો જપ્ત, એક આરોપી જેલભેગો
પોલીસે મકાનની તલાશી લેતા નશા માટે વપરાતી કોડેઇન ફોસ્ફેટનું ઘાતક ઘટકતત્વ ધરાવતી કફસિરૂપની આશરે 354 બોટલો મળી આવી હતી. વેજલપુર પોલીસે આ તમામ જથ્થો કાયદેસર રીતે જપ્ત કરીને ઘટના સ્થળેથી આરોપી ઇસબખાન પઠાણની અટકાયત કરી તેની વિધિવત ધરપકડ કરી લીધી છે.

