તાજેતરમાં જ અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથ મામલે દાખલ કરવામાં આવેલી અરજીનો હાઈકોર્ટે નિકાલ કર્યો હતો. કોર્ટે મૃતકના પુત્રને ફરિયાદની માગ સાથે સંબંધિત કોર્ટ સમક્ષ જવા માટેની છૂટ આપી હતી. મૃતકના અરજદાર પુત્રએ એવો આક્ષેપ કર્યો હતો કે, તેના પિતા કસ્ટડીમાં હતાં તે સમયે તેમની પર શારીરિક હુમલો કરાયો હતો અને શંકાસ્પદ પદાર્થ આપવામાં આવ્યો હતો. તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતાં અને આખરે એસવીપી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ કેસમાં હવે આક્ષેપિત અજાણ્યા પોલીસ કર્મીઓ સામે ફરિયાદ નોંધાઈ છે.
એફઆઈઆર દાખલ કરવામાં આવી
અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં જહીરૂદ્દીન શેખ ઉર્ફે ડબ્બા નામના વ્યક્તિના કથિત કસ્ટોડિયલ ડેથના મામલામાં પોલીસે આખરે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ મામલે મૃતકના પરિવારજનો દ્વારા વેજલપુર પોલીસ પર અત્યંત ગંભીર અને સનસનાટીભર્યા આરોપો લગાવવામાં આવ્યા હતા. જેના આધારે આક્ષેપિત અજાણ્યા પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ સંવેદનશીલ કલમો હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
માર મારતી વખતે વીડિયો પણ શૂટ કર્યો
મૃતકના પરિવારે આક્ષેપ કર્યો હતો કે,ભૂતકાળમાં પોલીસ સામે કરવામાં આવેલી ફરિયાદનો બદલો લેવાની દાનતથી જહીરૂદ્દીનને કસ્ટડીમાં રાખીને ઢોર માર મારવામાં આવ્યો હતો.પોલીસ કર્મચારીઓએ તેને માર મારતી વખતે વીડિયો પણ શૂટ કર્યો હતો અને તેને બળજબરીપૂર્વક અંદાજે 100 જેટલી ગોળી જેવો પદાર્થ ખવડાવી દીધો હતો.જેના કારણે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
તપાસ સીઆઈડી ક્રાઈમને સુપ્રત કરવાનો નિર્ણય
પરિવારજનોના આક્રોશ અને મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને વેજલપુર પોલીસ મથકે અજાણ્યા પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ હત્યા અને દુષ્પ્રેરણા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ સામે જ સીધા આક્ષેપો હોવાથી તપાસની તટસ્થતા જળવાઈ રહે તે હેતુથી આ સમગ્ર કેસની તપાસ સીઆઈડી ક્રાઈમને સુપ્રત કરવાનો નિર્ણય લેવાયો છે.CID ક્રાઈમ હવે આ ઘટના ક્રમ, મેડિકલ રિપોર્ટ અને વીડિયો પુરાવાઓની ઊંડાણપૂર્વક તપાસ કરીને સત્ય બહાર લાવશે.
આ પણ વાંચોઃ Ahmedabad News: મનપસંદ જીમખાના ક્લબમાં SMCની રેડમાં પકડાયેલા 9 આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર