ગુજરાતમાં છેલ્લા એક દાયકામાં આગની અનેક મોટી દુર્ઘટનાઓએ રાજ્યને હચમચાવી દીધું છે. આ અકસ્માતોમાં નિર્દોષ વિદ્યાર્થીઓ, દર્દીઓ, કામદારો અને સામાન્ય નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. લગભગ દરેક મોટી દુર્ઘટના બાદ ફાયર સેફ્ટી, ગેરકાયદે બાંધકામ, ઇમરજન્સી એક્ઝિટ અને સરકારી દેખરેખ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

સુરતનો તક્ષશિલા કાંડ 

સૌથી મોટી દુર્ઘટનાઓમાં વર્ષ 2019માં સુરતના તક્ષશિલા આર્કેડમાં આવેલી કોચિંગ ક્લાસમાં લાગેલી આગનો સમાવેશ થાય છે. આગ એટલી ભયાનક હતી કે જીવ બચાવવા માટે કેટલાક વિદ્યાર્થીઓએ બિલ્ડિંગ પરથી કૂદકો માર્યો હતો. આ દુર્ઘટનામાં કુલ 22 વિદ્યાર્થીઓના મોત થયા હતા અને સમગ્ર રાજ્યમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો.

અમદાવાદની શ્રેય હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ 

ત્યારબાદ વર્ષ 2020માં અમદાવાદની શ્રેય હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ લાગી હતી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 8 દર્દીઓ જીવતા ભસ્મ થયા હતા. આ ઘટનાએ હોસ્પિટલોની ફાયર સેફ્ટી વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા કર્યા હતા.

ભરૂચની વેલફેર હોસ્પિટલના કોવિડ ICUમાં આગ

વર્ષ 2021માં ભરૂચની વેલફેર હોસ્પિટલના કોવિડ ICUમાં આગ લાગતા 18 દર્દીઓના કરુણ મોત થયા હતા. કોરોના મહામારી વચ્ચે બનેલી આ ઘટનાએ સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું હતું અને હોસ્પિટલોમાં ફાયર ઓડિટની માંગ તેજ બની હતી.

રાજકોટના TRP ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગ

વર્ષ 2024માં રાજકોટના TRP ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગ ગુજરાતના ઇતિહાસની સૌથી દુઃખદ દુર્ઘટનાઓમાંની એક બની. આ અકસ્માતમાં 27 લોકોના મોત થયા હતા, જેમાં બાળકોનો પણ સમાવેશ થતો હતો. ત્યારબાદ રાજ્યભરમાં ગેમ ઝોન, મોલ, મલ્ટિપ્લેક્સ અને કોમર્શિયલ સંકુલોમાં ફાયર સેફ્ટી તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.

ખેડા ફટાકડા ફેક્ટરી વિસ્ફોટ

ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ૨૭ જૂનના રોજ એક રહેણાંક વિસ્તારની નજીક આવેલી ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અચાનક પ્રચંડ વિસ્ફોટ થયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ આજુબાજુના પાંચ કિલોમીટર સુધી સંભળાયો હતો અને ફેક્ટરીની આખી ઇમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. આ ગંભીર દુર્ઘટનામાં ત્યાં કામ કરી રહેલા 1 શ્રમિકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય કેટલાક મજૂરો ગંભીર રીતે દાઝી જતાં તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

https://youtu.be/378HD6YIWvQ   


ડીસા અગ્નિકાંડમાં 21ના મોત

રાજ્યના ઇતિહાસમાં સૌથી કાળજાર સાબિત થયેલી અન્ય એક ઘટના બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા ખાતે 1 એપ્રિલ 2025ના રોજ નોંધાઈ હતી. જોતજોતામાં આ આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું કે અંદર કામ કરી રહેલા લોકોને બહાર નીકળવાનો મોકો જ ન મળ્યો. આ ભીષણ અગ્નિકાંડમાં કુલ 21 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. મૃતકોમાં મોટાભાગના ગરીબ શ્રમિકો અને મહિલાઓ સામેલ હતી જેઓ રોજગારી અર્થે ત્યાં આવ્યા હતા. ઘટના બાદ ફાયર બ્રિગેડની એક ડઝનથી વધુ ગાડીઓએ કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં બધું જ ખાખ થઈ ચૂક્યું હતું

ગેરકાયદે ફટાકડા બનાવતી ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ આગ

વર્ષ 2026માં અમદાવાદના રામોલ વિસ્તારમાં ગેરકાયદે ફટાકડા બનાવતી ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ આગ લાગતા 9 લોકોના મોત થયા હતા. પ્રાથમિક તપાસમાં સલામતીના નિયમોના ભંગ અને ગેરકાયદે કામગીરી અંગેના મુદ્દા સામે આવ્યા હતા.

કેમિકલ ફેક્ટરીઓ અને ગોડાઉનમાં આગની અનેક ઘટનાઓ

આ પછીના વર્ષોમાં રાજ્યના વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં કેમિકલ ફેક્ટરીઓ અને ગોડાઉનમાં આગની અનેક ઘટનાઓ બની હતી. ઘણી જગ્યાએ કામદારોના મોત થયા તો અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. તપાસમાં સલામતીના નિયમોનું પાલન ન થતું હોવાના મુદ્દા પણ સામે આવ્યા હતા.

નિયમોના અમલમાં ફરી ઢીલાશ 

છેલ્લા દસ વર્ષનો ઇતિહાસ જોતા સ્પષ્ટ થાય છે કે આગની મોટી દુર્ઘટનાઓ બાદ કાર્યવાહી તો થાય છે, પરંતુ સમય જતાં નિયમોના અમલમાં ફરી ઢીલાશ જોવા મળે છે. નિષ્ણાતોના મતે માત્ર ફાયર NOC મેળવવી પૂરતી નથી, પરંતુ નિયમિત ફાયર ઓડિટ, ઇમરજન્સી ડ્રિલ, પૂરતા ઇમરજન્સી એક્ઝિટ, ફાયર સેફ્ટી સાધનોની જાળવણી અને કડક અમલવારી જ આવી દુર્ઘટનાઓ અટકાવી શકે છે.

અનેક પરિવારોના સ્વજનો છીનવાયા 

ગુજરાતમાં બનેલી આ દુર્ઘટનાઓ માત્ર આંકડા નથી, પરંતુ એવી કરુણ યાદો છે જેણે અનેક પરિવારો પાસેથી તેમના સ્વજનો છીનવી લીધા છે. તેથી ફાયર સેફ્ટીના નિયમોનો કડક અમલ અને જવાબદારી નક્કી કરવી એ હવે સમયની સૌથી મોટી જરૂરિયાત બની ગઈ છે. 


આ પણ વાંચો  :   Ahmedabad Fire: મોતની ફટાકડા ફેક્ટરી, ભીષણ બ્લાસ્ટમાં 10 જીવતા ભૂંજાયા, લાયસન્સ રદ હોવા છતાં કોના આશીર્વાદથી ચાલતું હતું પાપનું સામ્રાજ્ય?, Video