અમદાવાદના રામોલ-ગતરાડ રોડ ઉપર આવેલા મહેમુદપુરાના એક ખેતરની જગ્યામાં મંજૂરી અને લાયસન્સ વિના ગેરકાયદે ચાલતી કટાકડાની ફેક્ટરીમાં શનિવારે બપોરે પ્રચંડ બ્લાસ્ટ સાથે લાગેલી આગમાં 9 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં પોલીસે ફેક્ટરીના માલિક મેહુલ ડોડીયા સહીત ત્રણ લોકોની અટકાયત કરી છે. આજે બીજા દિવસે પણ ઘટના સ્થળે બેદરકારીનું દ્રશ્ય સામે આવ્યું છે. સ્થળ પર જોખમી કેમિકલનો જથ્થો યથાવત છે.
ઘટનાને લઈને પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું?
આ ઘટનાને લઈને પ્રત્યદર્શીએ સંદેશ ન્યૂઝને જણાવ્યું હતું કે, અમે લોકો અહીં જ રહીએ છીએ. બપોરના સમયે અચાનક બ્લાસ્ટ થયો હતો. ત્યાર બાદ એક બે જણા દાઝી ગયા હતાં અને તેમને અમે જ એમ્બ્યુલન્સ બોલાવીને સારવાર માટે મોકલ્યા હતાં. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે અહીંથી લગભગ 20થી 25 લોકો બહાર ભાગી ગયા હતાં. અમે લોકો પણ દોડ્યા હતાં. આ ઘટના બાદ અમને રાત્રે ઊંઘ પણ આવતી નથી. અમે લોકો ગઈકાલના જમ્યા પણ નથી. જમવાનું પણ ભાવતુ નથી. હજી પણ અમને ડરનો અહેસાસ થઈ રહ્યો છે. ધડાકો એવો થયો હતો કે, લોકોની ચીસો ગૂંજી ઉઠી હતી. વીજળી પડી હોય તેવો જબરદસ્ત અવાજ સંભળાયો હતો. ધડાકાથી આસપાસના વિસ્તારમાં કાચ પણ તૂટ્યા હતાં. જલધારા ફાઉન્ડ્રીની બારીઓના કાચ તૂટ્યા હતાં. લોકોએ બે જણાને સળગતી હાલતમાં જોયા હતાં. બ્લાસ્ટની અસર દૂર સુધી થઈ હતી.
